છેલ્લા કેટલાંક સમયથી ગાયો માટેના ઘાસચારાના લઇને રાજ્યના પાંજરાપોળ-ગૌશાળા સંચાલકો દ્વારા આ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે ગૌ સેવા અને ગૌ સુરક્ષા માટે સંખ્યાબંધ પગલા લીધા અને આ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગૌધનના સંવર્ધન માટે રાજ્યમાં પશુદીઠ રોજનું ચાર કિલો ઘાસ પ્રતિ કિલો ૨ રૂપિયાના દરે આપવાનો નિર્ણય કર્યો છે અને પૂરતા પ્રમાણમાં ઘાસ જિલ્લા કલેકટરોને પહોચાડાઇ રહ્યું છે.
ઉપરાંત, પશુજીવોને ગુણવત્તાટુક્ત ઘાસચારો મળી રહે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.
મહેસૂલ મંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાતની સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ગુજરાતની સેવા પરંપરાને અનુસરીને પોતાના ધંધા-વ્યવસાયમાંથી થોડીક આવક અથવા દાનથી ગૌ સેવાની સરાહનીય પ્રવૃત્તિ કરે છે તે અભિનંદનને પાત્ર છે અને આવી પ્રવૃત્તિઓના સેવા સંસ્કાર-મહાજન પરંપરા તેઓ ચાલુ રાખશે જ.
કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાત સહિત દેશમાં અછતની જાહેરાત થાય તે પછી જ્યાં અછત જાહેર થઇ હોય ત્યાં તેના મેન્યુઅલ પ્રમાણે સરકાર ગૌશાળા પાંજરાપોળોને સહાય કરતી હોય છે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ગૌસેવાની-અબોલ પશુજીવોની આ સેવાપ્રવૃત્તિ યથાવત ચાલુ રાખે તેવી હાર્દભરી અપીલ કરતા કહ્યું છે કે સરકાર તેમની પડખે ઊભી છે જ.