૭૭ મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે એવા વીર ક્રાંતિકારીઓની સ્તુતિ, સ્મરણ અને એમના ચરણોમાં વંદન કરવાનો આ અવસર છે, જેમનાં બલિદાનોને પરિણામે આજે આપણે સુખી અને સ્વતંત્ર ભારતમાં આનંદ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ એ રાજ્યના આગેવાન નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આઝાદી પર્વ અને અન્ય રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દ્વારા આપણે આપણી યુવા પેઢીને દેશના ક્રાંતિવીરોનો પરિચય કરાવીને તેમનામાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની આવશ્યકતા છે.
પ્રધાનમંત્રી મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીથી રાષ્ટ્રમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે, અને આપણે આત્મગૌરવની અનુભૂતિ કરી રહ્યા છીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ ક્ષેત્રોના આગેવાન નાગરિકોને સંબોધતાં ‘એટ હૉમ’માં કહ્યું કે, દેશના અમૃતકાળના આરંભે આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા અથાગ પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ. ગુલામીની માનસિકતાની તમામ નિશાનીઓને નેસ્ત નાબૂદ કરીએ. આપણે વર્ષો પૂર્વે વિશ્વગુરુ રહી ચૂક્યા છીએ, વિશ્વને આપણે આપણો પરિવાર માનીએ છીએ.
ભારતની આવી મહાન વૈદિક પરંપરાની આપણે વિશ્વને અનુભૂતિ કરાવી છે. આપણા દેશની એકતા અને અખંડતા માટે સદાય પ્રયત્નશીલ રહીએ. રાષ્ટ્ર સર્વોપરી છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાથી આપણે આપણા રાષ્ટ્રને મહાશક્તિ બનાવી શકીશું. આપણે આપણા કર્તવ્યનું દ્રઢતાપૂર્વક પાલન કરીએ અને શક્તિશાળી મહાન રાષ્ટ્રના નિર્માણ માટે સમર્પિત ભાવથી પ્રમાણિકતાપૂર્વક પ્રયત્નશીલ રહીએ. દેશભક્તિના ગીતોના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર, પંજાબના જગત વર્માજીએ રાષ્ટ્રભક્તિગીતો ગાઈને વાતાવરણને મંત્રમુગ્ધ કરી મૂક્યું હતું. સમારોહના સમાપને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાયક કલાકાર જગત વર્માજીનું સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જેનું લોકાર્પણ કર્યું તે મહર્ષિ દયાનંદ સભામંડપ-હૉલમાં સૌપ્રથમ વખત આયોજિત ‘એટ હૉમ’-સ્નેહમિલન કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય મતી રીટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર), જયંતીભાઈ પટેલ (માણસા), મુખ્ય સચિવ રાજકુમાર, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો, રમતવીરો, સ્વાતંત્ર સેનાનીઓ, તેમના પરિવારજનો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.