એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલ મુજબ દેશના ૪૮ ધારાસભ્યો-સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ નોંધાયેલા છે. આ અહેવાલ એવા સમયે જારી કરાયો છે જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારની એક ઘટનામાં ભાજપના ધારાસભ્યને આરોપી બનાવવામાં આવ્યો છે.
એડીઆરના જણાવ્યા અનુસાર દેશના ૩૩ ટકા એટલે કે ૧૫૮૦ ધારાસભ્યો અને સાંસદોએ જાહેર કરેલા ક્રિમિનલ કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી જાણવા મળ્યું છે કે ૪૮ સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ૪૮માં ૪૫ ધારાસભ્યો અને ૩ સાંસદોનો સમાવેશ થાય છે. ૪૮ પૈકી સૌથી વધુ ૧૨ શાસક પક્ષ ભાજપના છે. ધારાસભ્યો અને સાંસદોએ મહિલા વિરુદ્ધ કરેલા અપરાધોમાં બળાત્કાર, અપહરણ, ઘરેલુ હિંસા સહિતના ગુનાઓ સામેલ છે.
વિવિધ પક્ષ અનુસાર એની છણાવટ કરીએ તો સૌથી વધુ ભાજપના ૧૨ ધારાસભ્યો અને સાંસદો સામે મહિલા વિરુદ્ધ અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ત્યારબાદ શિવસેનાના સાત, તૃણમુલ કોંગ્રેસના ૬નો સમાવેશ થાય છે. આ અહેવાલ દેશના વર્તમાન ૪૮૯૬ ધારાસભ્યો-સાંસદોએ રજૂ કરેલા સોગંદનામા પૈકી ૪૮૪૫ સોગંદનામાનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.