ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખતાં આજે ગુજરાત નવનિર્માણ સેનાએ રાજ્યની જનતાને પ્રત્યક્ષરૂપે અસરકર્તા મુદ્દાઓ અને સમસ્યાઓના સમાધાનની રૂપરેખા આપતાં સંકલ્પપત્ર રજૂ કર્યું હતું. ઘણાં વર્ષોથી રાજ્યમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીના અહંકાર, ખૂબજ નબળા વિરોધપક્ષની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ તથા જનતાને બિનવાસ્તવિક વાયદાઓ કરીને ગુમરાહ કરનાર આમ આદમી પાર્ટીની સામે એક મજબૂત વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત નવનિર્માણ સેના ચૂંટણીમાં સંપૂર્ણ જોર લગાવીને ઝંપલાવવા માટે સજ્જ છે.
આ ચૂંટણીમાં જનતાને માત્ર વાયદા અને સપના દેખાડવાને બદલે તેમને દૈનિક જીવનમાં ખરા અર્થમાં અસરકર્તા મુદ્દાઓનો નક્કર ઉકેલ આપવા માટે ગુજરાત નવનિર્માણ સેનાએ તેનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલ દવે, પ્રદેશ અધ્યક્ષ કાલિદાસ બાપુ, પ્રદેશ મહામંત્રી મહેશચંદ્ર કટારા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પત્રકારોને સંબોધન કરતાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાની સાથે રાજકીય પક્ષોએ હંમેશા દગો કર્યો છે અને તેમને ખોટા વચનો આપીને ભ્રમિત કરી છે. ચૂંટણીના સમયમાં જનતા વચ્ચે જતાં પહેલાં જ અમે સંકલ્પ પત્ર રજૂ કરીને પ્રજા માટે આગામી પાંચ વર્ષમાં કયાં-કયાં કાર્યો કરવામાં આવશે તેની જાણકારી આપવાથી અમારી જવાબદેહિતા વધશે. અમારા 17 વચનો તથા 19 સંકલ્પ મુખ્ય પ્રાથમિકતા રહેશે, જેના આધારે રાજ્યના જનતાના વિકાસની વ્યૂહરચના તૈયાર થશે. મને આશા છે કે ગુજરાતની જનતા અમારી પ્રામાણિક વિચારધારા ઉપર વિશ્વાસ કરશે અને જંગી બહુમતીથી વિજય અપાવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે તો મુખ્યમંત્રી તરીકે પૂજ્ય સંત અને નાયબ મુખ્યમંત્રી તરીકે માજી સૈનિક હશે રાજકીય કિન્નાખોરી રાખી ગુજરાત રાજ્યમાં સંતો ઉપર કરવામાં શંકાસ્પદ કેસોમાં ફેરતપાસ કરાવી ખોટાં કેસો પરત ખેંચવામાં આવશે.
ગુજરાત નવનિર્માણ સેનાના 17 વચનો અને 19 સંકલ્પ આ અખબારી યાદી સાથે જોડવામાં આવ્યાં છે.