આસામ એક્સપ્રેસને મોટી દુર્ઘટના થતી ટળી, આસામ એક્સપ્રેસનો AC કોચમાં ધુમાડો, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આસામ એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા બચી ગઈ હતી. બી-૨ એસી કોચ અચાનક ધુમાડો ધુમાડો થઈ ગયો હતો જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. લાંબા સમય સુધી અફરાતફરી મચી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાની સમજણથી રામદયાલુ સ્ટેશનની પાસે ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી. આ પછી ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો કૂદીને ભાગવા લાગ્યા હતા. ૧૫૯૦૯ અવધ આસામ એક્સપ્રેસ ડિબ્રુગઢથી લાલગઢ જઈ રહી હતી. થોડા સમય માટે આગ લાગવાની અફવા પણ ફેલાઈ હતી. એસી કોચમાં ધુમાડો જોઈને મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન રોકાયા પછી મુસાફરો એક પછી એક દોડવા લાગ્યા હતા. આ ઘટના સાંજની છે.

ટ્રેનને મુઝફ્ફરપુરથી સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ કારણસર એસી બોગીનું વ્હીલ જામ થઈ ગયું હતું જેના કારણે ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી લોકોને લાગ્યું કે ટ્રેનમાં આગ લાગી છે આ પછી હોબાળો મચી ગયો હતો. એક મુસાફરે આ ઘટના વિશે જણાવ્યું. મુસાફરે જણાવ્યું કે તમામ લોકો ટ્રેનમાં હતા. દરમિયાન વ્હીલમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. આ જોઈને ટ્રેનમાં બેઠેલા લોકો અવાજ કરવા લાગ્યા. ટ્રેનની ચેઈન ખેંચ્યા બાદ કેટલાક લોકો નીચે ઉતરીને જોવા લાગ્યા હતા. આ પછી પણ એસી કોચ બી-૨ના વ્હીલમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.

જાણકારી બાદ ટ્રેનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ટ્રેન લગભગ એક કલાક અને ૨૩ મિનિટ સુધી રામદયાલુ સ્ટેશન પર રોકાઈ હતી. મુઝફ્ફરપુરથી નીકળ્યા બાદ અચાનક આ ઘટના બની હતી. આ સમગ્ર મામલે મહેશ પ્રસાદે જણાવ્યું કે બ્રેક ફેલ થવાના કારણે આ ઘટના બની છે. માહિતી મળતાં જ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી તેને ઠીક કરવામાં આવ્યું છે. આ દરમિયાન લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી.

Share This Article