આસામના મુખ્યમંત્રીની મુસ્લિમ મહિલાઓને અપીલ,“બે બાળકો જ બસ છે, મહિલા બાળકો પેદા કરવાની ફેક્ટરી નથી”

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

હિંદુઓ વિરુદ્ધ ઓલ યુનિયન યુનાઇટેડ ફ્રન્ટના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલની વિવાદિત ટિપ્પણી પર આસામના મુખ્યમંત્રીએ સામો જવાબ આપ્યો છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મહિલાઓ બાળકો પેદા કરવાનું મશીન નથી. અજમલ માત્ર વોટબેન્ક માટે એક વર્ગને ખુશ કરવા માટે આવું નિવેદન આપી રહ્યા છે.હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે મહિલાઓ વધુમાં વધુ બાળકો પેદા કરે છે તો અજમલ તે બાળકોનો મોટા થવા સુધી તેનો ઉછેર કરશે અને ખર્ચ પણ ઉઠાવશે.

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું ‘હું મારી મુસ્લિમ બહેનોને કહેવા માગું છું કે બદરુદ્દીનની વાત ન સાંભળો. બેથી વધુ બાળકો પેદા ન કરો. જો એક મહિલા વધુ બાળકોને જન્મ આપે છે, તો તેની અસર તેના શરીર પર પડશે, એટલું જ નહીં આપણા સમાજ પર પણ તેની અસર પડશે અને આસામ બરબાદ થઇ જશે. આસામ જાતીય પરિષદ રાજ્યના વિભિન્ન ભાગોમાં ધુબરીના સાંસદ બદરુદ્દીનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચૂકી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની યુવા શાખાએ પણ શનિવારે આ મામલામાં પોલીસ સમક્ષ એક લેખિત નિવેદન આપ્યું હતું. ભાજપે આ મામલાની ફરિયાદ નોંધાવી છે.

શુક્રવારે અજમલે કહ્યું હતું કે, હિંદુઓએ બાળકોના મામલામાં મસલમાનોની ફોર્મ્યુલા અપનાવવી જોઇએ. બાળકોનાં લગ્ન નાની ઉંમરમાં કરી દેવા જોઇએ. મુસ્લિમ યુવક ૨૦થી ૨૨ વર્ષની ઉંમરમાં લગ્ન કરે છે અને મુસ્લિમ મહિલાઓ ૧૮ વર્ષની ઉંમરમાં, જે સંવિધાનિક છે. હિંદુ લગ્ન પહેલાં એક, બે કે ત્રણ ગેરકાયદેસર પત્નીઓ રાખે છે. તેઓ બાળકોને જન્મ નથી આપતા, જાતે જ આનંદ લે છે અને પૈસા બચાવે છે. અજમલે કહ્યું- મુખ્યમંત્રી આજે દેશના ટોચના નેતાઓમાંના એક છે. તેમને કોણ રોકી રહ્યું છે? તમે પણ લવજેહાદ કરો અને અમારી છોકરીઓને લઇ જાવ. અમે તેનું સ્વાગત કરીશું અને લડાઇ પણ નહીં કરીએ.

દિલ્હી નગર નિગમના ઇલેક્શન પહેલાં દિલ્હીમાં એક રોડ શોમાં સરમાએ કહ્યું હતું- ભારતને આફતાબ જેવી વ્યક્તિ નહીં, પરંતુ ભગવાન રામ જેવા વ્યક્તિની જરૂર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલે હિન્દુઓને લઇને પોતાના નિવેદન માટે માફી માગી લીધી છે. તેમણે કહ્યું- જો મારા શબ્દોથી કોઇની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માર શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો કોઇની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું કેવળ એટલું ઇચ્છું છું કે સરકાર અલ્પસંખ્યકોની સાથે ન્યાય કરે અને તેમને શિક્ષણ અને રોજગાર આપે.બીજેપી નેતા સ્મૃતિ ઇરાની સહિત ઘણા મોટા નેતાઓએ અજમલના નિવેદન પર જોરદારહુમલો કર્યો. ઇરાનીએ કહ્યું કે છોકરી કોઇ પણ ધર્મની હોય. આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. અજમલ જો પોતાના ધર્મની દીકરીનું આ પ્રકારે અપમાન કરે છે, તો આ વિચારવાનો વિષય છે.

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજસિંહે કહ્યું કે બદરુદ્દીન અને ઓવૈસી જેવા લોકો અમને શિખામણ ન આપે. સનાતન ધર્મમાં સદૈવ પ્રેમની પૂજા થતી હોય છે. આનું પ્રતીક છે અમારા પૂર્વજ રાજા સાગરના ૬૦ હજાર પુત્રો હતા, તો કૃષ્ણની ૧૬,૦૦૦ પ્રેમિકા અને પત્નીઓ હતી. આજે ભારતમાં એ જ મુસલમાનો છે જેમને મોગલકાળમાં મોગલોએ સન્માન નહોતું આપ્યું. આસામના બીજેપી વિધાયક દિગંત કલિતાએ અજમલ પર નિશાન તાકતા કહ્યું- તમે મુસ્લિમ છો અને અમે લોકો હિંદુ છીએ. શું અમારે તમારી પાસેથી શીખવું પડશે? આ ભગવાન રામ અને દેવી સીતાનો દેશ છે. અહીં બાંગ્લાદેશી લોકોનું કોઇ સ્થાન નથી. જો તમારે આવાં નિવેદન આપવાં હોય તો બાંગ્લાદેશમાં જઇને આપો. બીજેપી પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે તે માત્ર ચર્ચામાં રહેવા માટે આવાં નિવેદનો આપે છે. તો,યુપીના ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે આવા પ્રકારનાં સ્ટેટમેન્ટને બિલકુલ સ્વીકાર કરવામાં નહીં આવે.

Share This Article