દુબઇઃ પ્રતિષ્ઠિત એશિયા કપ ક્રિકેટમાં ભારતીય ટીમ આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમનાર છે. ભારતીય ટીમ પહેલાથી જ ટોપ પર છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્તમાન એશિયા કપમાં હજુ સુધી એક પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તે જીતના સિલસિલાને જાળવી રાખવા માટે સજ્જ છે. આવતીકાલે રમાનારી મેચમાં ભારતીય ટીમ કેટલાક નવા ચહેરાને તક આપી શકે છે. અફઘાનિસ્તાન સુપર ફોરમાં તેમની સતત બે મેચ હારીને હવે બહાર થઇ ગયુ છે.
બીજી બાજુ ભારતીય ટીમે તમામ મેચો જીતીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા છે. અફઘાનિસ્તાન સામેની મેચ માત્ર ઔપચારિતા સમાન રહેનાર છે. જો કે ક્રિકેટ ચાહકો ભારતીય ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. ગઇકાલે રવિવારના દિવસે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન પર સતત બીજી મોટી જીત મેળવી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે ૨૩૭ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર એક વિકેટ ગુમાવીને ૨૩૮ રન કરીને આ મેચ જીતી ગઇ હતી. પાકિસ્તાન પર વર્તમાન એશિયા કપમાં ભારતની આ બીજી જીત હતી.
જીતવા માટેના ૨૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે આ રન માત્ર ૩૯.૩ ઓવરમાં બનાવી લીધા હતા. ભારત તરફથી શિખર ધવને ૧૦૦ બોલમાં ૧૬ ચોગ્ગા એ બે છગ્ગા સાથે ૧૧૪ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ૧૧૯ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૧ રન કર્યા હતા. પ્રથમ વિકેટની રેકોર્ડ ૨૧૦ રનની ભાગીદારી થઇ હતી. ભારતીય ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન ટીમની ફિલ્ડિંગ પણ નબળી રહી હતી. રોહિત શર્મા જ્યારે ૨૯ રન પર રમી રહ્યો હતો ત્યારે તેનો સરળ કેચ પડતો મુકી દેવામાં આવ્યો હતો.
હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવને ૩૩મી ઓવરમાં શાહીનની બોલિંગમાં ચોગ્ગો ફટકારીને પોતાની વનડે કેરિયરની ૧૫મી સદી પૂરી કરી હતી. આની સાથે જ વિરેન્દ્ર સહેવાગના ૧૫ સદીના રેકોર્ડની બરોબરી કરી હતી. રોહિત શર્માએ કેરિયરની ૧૯મી સદી પૂર્ણ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમ બેટિંગમાં પણ ફ્લોપ સાબિત થઇ હતી. એકમાત્ર સોએબ મલિકે જોરદાર બેટિંગ કરી હતી. શોએબ મલિકે પાકસ્તાન તરફથી સૌથી વધારે ૭૮ રન કર્યા હતા. શોએબે ૪૩મી અડધી સદી પૂર્ણ કરી હતી. મલિક અને સરફરાજ વચ્ચે ચોથી વિેટની ભાગીદારીમાં ૧૦૭ રન બન્યા હતા.
હવે આવતીકાલે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે પણ જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. મેચનુ સાંજે ૫ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. અફઘાનિસ્તાનની ટીમ ફેંકાઇ ગઇ છે પરંતુ તેનો દેખાવ દરેક ટીમ સામે જોરદાર રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે અનુભવ હિનતાના કારણે તેની હાર થઇ હતી. જીતેલી બાજી અફઘાનિસ્તાને ગુમાવી દીધી હતી. જીતવા માટેની સ્થિતી હોવા છતાં ઉતાવળમાં વિકેટ ગુમાવી હતી. છેલ્લી ઓવરમાં માત્ર આઠ રન કરવાની જરૂર હતી અને વિકેટો પણ હાથમાં હોવા છતાં મેચ ગુમાવી દીધી હતી. બંને ટીમો નીચે મુજબ છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા ( કેપ્ટન), શિખર ધવન, રાહુલ, નાયડુ, મનિષ પાન્ડે, કેદાર જાધવ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, ઠાકુર, ખલીલ અહેમદ.
અફઘાનિસ્તાન ટીમ: અસગર અફઘાન, આફતાબ અલમ, ગુલબદીન નૈબ, હસમતુલ્લા શાહીદી, અહેસાનઉલ્લા, જાવેદ અહેમદી, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેજાદ, મુજીબ ઉર રહેમાન, મુનીર અહેમદ, ઝરદાન, રહમત શાહ, રશીદ ખાન, શેનવારી, સૈયદ શિરજાદ, વફાદાર મોહમ્મદ.