એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. બંને ટીમો વચ્ચે આ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ મેદાનમાં રમાનાર છે. આ એ જ મેદાન છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટક્કર થઈ હતી.
આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. ભારતની જીત વચ્ચે આ મેચમાં પાકિસ્તાન સ્પિનર અબરાર અહમદ પોતાની હરકતના કારણે ભારે ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની ઘણી ટિકાઓ થઈ હતી. અબરારની ગુગલી બોલને શુભમન ગિલ પારખી શક્યો નહોતો અને બોલ્ડ થઈ ગયો.
વિકેટ લીધા બાદ અબરાર અહમદે શુભમન ગિલ તરફ જોઈને ડોક હલાવીને આંખોથી બહાર નીકળી જવાનો ઈશારો કર્યો હતો. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ પણ અબરારની આ હરકતથી ત્યારે નારાજ થયા હતા. જો કે અબરાર અહમદે આ સેલિબ્રેશન માટે પોતાનો બચાવ કર્યો હતો.
27 વર્ષના અબરાર અહમદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ. “આ મારી શૈલી છે અને તેમાં કંઈપણ ખોટું નહોતું. મેચ ઓફિશિયલ્સે મને નહોતું કહ્યું કે મેં કંઈ ખોટું કર્યું છે. જો મારા આ સેલિબ્રેશનથી કોઈની લાગણી દુભાઈ હોય તો, તેના માટે ખેદ છે. મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો.”
અબરાર અહમદ અને શુભમન ગિલ હવે એશિયા કપમાં સામ સામે આવનાર છે. ભારતીય ફેન્સને આશા વ્યક્ત કરી રહ્યાં છે કે, શુભમન આ વખતે બેટિંગથી અબરારને જડબાતોડ જવાબ આપશે. જો કે, શુભમન ગિલનો આ પાકિસ્તાની સ્પિનર સાથે ત્યારે જ સામનો થશે. જ્યારે તે ક્રીજ પર થોડો વધુ સમય પસાર કરે. અબરાર ટી20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં ખૂબ ઓછી બોલિંગ કરે છે. તેનો ઉપયોગ પાકિસ્તાની ટીમ મિડલ ઓવર્સમાં વધુ કરે છે.
લેગ સ્પિનર અબરાર અહમદે પાકિસ્તાની ટીમ માટે અત્યાર સુધીમાં 17 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 6.95ની ઇકોનોમી રેટથી 24 વિકેટ લીધી છે. બીજી બાજુ વાઇસ કેપ્ટન શુભમન ગિલે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ભારત માટે 22 મેચમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેણે 31.47ની સરેરાશથી 598 રન બનાવ્યાં. ટી20iમાં શુભમલ ગિલે 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે.