જયપુર : રાજસ્થાન વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધા બાદ આમાં અશોક ગહેલોતની ઓળખવાળા ઉમેદવારોની સંખ્યા વધારે દેખાઈ રહી છે જે સાબિત કરે છે કે રાજ્યના પાર્ટી અધ્યક્ષ સચિન પાયલોટની સરખામણીમાં અશોક ગહેલોતની નોંધ પાર્ટી દ્વારા વધુ લેવામાં આવી છે. ગહેલોતના નજીકના લોકોને વધુ ટિકિટ આપવામાં આવી છે. ગેહલોતની સરકારમાં કામ કરી ચુકેલા ૨૨ મંત્રી અને છ સંસદીય સચિવોના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની પહેલી યાદી જારી કરવામાં આવી છે તેમાં ૬૫ ટકા ઉમેદવાર કરોડપતિ હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસે ૧૫૨ ઉમેદવારોની યાદી જારી કરી છે જે પૈકી ૮૧ ઉમેદવારો એવા છે જે ઉમેદવારો ૨૦૧૩ની ચુંટણીમાં કોંગ્રેસ, અપક્ષ અથવા અન્ય પાર્ટી તરફથી મેદાનમાં ઉતર્યા હતા. આ લોકોએ પોતાની તમામ વિગત પણ જમા કરાવી છે. ૨૦૧૪માં ચુંટણી લડી ચૂકેલા ૮૧ ઉમેદવાર પૈકી ૫૩ કરોડપતિ છે એટલે કે ૬૫ ટકા ઉમેદવાર કરોડપતિ છે. ૮૧ ઉમેદવાર પૈકી ૧૧એ ૨૦૧૩માં પોતાના અપરાધિક કેસોની માહિતી પણ પુરી પાડી હતી. જે પૈકી ૧૪ ટકા ઉમેદવાર કલંકિત હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે ડાકટર, વકીલો, એન્જિનિયરો અને ખેલાડીઓ સહિતના ચહેરાઓને તક આપી છે. કેટલાક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી લાયકાત કરતા પણ ઓછી છે. ઉમેદવારોની યાદીની વાત કરવામાં આવે તો આમાં ૧૨ ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે ૨૨ ગ્રેજ્યુએટ છે. બે ઉમેદવાર આઠમાંથી પણ ઓછુ ભણેલા છે. જ્યારે આઠ ઉમેદાર એવા છે જે આઠમાંથી પણ ઓછું ભણેલા છે. પીએચડી કરી ચૂકેલા ઉમેદવારની સંખ્યા ૨ દર્શાવાઈ છે. કલંકિત પ્રધાનોની સંખ્યા કોંગ્રેસમાં ૧૧ છે.