જયપુર : રાજનીતિના જાદુગર તરીકે પણ અશોક ગેહલોતને જોવામાં આવે છે. મારવાડ વિસ્તારમાં તેમની ખુબ મજબૂત પકડ રહેલી છે. અશોક ગેહલોત અગાઉ બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. લોકોની વચ્ચે તેમની ભારે લોકપ્રિયતા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ક્લિનસ્વીપ થઇ જતા તેમની હાલત કફોડી બની હતી પરંતુ અશોક ગેહલોતે પોતાની સ્થિતિને રાજસ્થાનમાં ફરીથી ધીમે ધીમે મજબૂત કરી હતી. ગેહલોત પ્રદેશમાં ખુબ લોકપ્રિય નેતા છે. રાજનીતિના જાદુગર તરીકે પણ તેમને ગણવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીને બહુમતિની નજીક લાવવામાં તેમની ચાવીરુપ ભૂમિકા રહી છે. ગેહલોતની સાથે સચિન પાયલોટને જવાબદારી સોંપવામાં આવી છે.
વર્ષ ૨૦૧૩ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી હતી. મારવાડના ગાંધી તરીકે પણ અશોક ગેહલોતને ગણવામાં આવે છે. અશોક ગેહલોતને રાજનીતિમાં લાવવામાં ઇન્દિરા ગાંધીએ ભૂમિકા ભજવી હતી. પૂર્વોત્તર ક્ષેત્રમાં શરણાર્થીઓ વચ્ચે ગેહલોત સારુ કામ કરી રહ્યા હતા. ઇન્દિરા તેમના કામથી પ્રભાવિત હતા. ગુજરાતમાં પણ ચૂંટણીમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. હાલમાં તેઓ કોંગ્રેસના મહાસચિવ તરીકે સક્રિય હતા. જોધપુરના નિવાસી ૬૭ વર્ષીય ગેહલોત ૧૯૯૮થી ૨૦૦૩ અને ૨૦૦૮થી ૨૦૧૩ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
ત્રીજી મે ૧૯૫૧ના દિવસે જન્મેલા ગેહલોતે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત ૧૯૭૪માં એનએસયુઆઈના અધ્યક્ષ તરીકે કરી હતી. ૧૯૭૯ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા હતા. ૧૯૭૯થી ૧૯૮૨ સુધી કોંગ્રેસ પાર્ટીના જોધપુર જિલ્લા અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૮૨માં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ બન્યા હતા. આ ગાળા દરમિયાન ૧૯૮૦માં ગેહલોત સાંસદ બન્યા હતા. ગેહલોત ૧૯૮૦થી ૧૯૯૯ સુધી પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતા. ૧૯૯૯થી જાધપુરના સરદારપુરા વિધાનસભા ક્ષેત્રમાં તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અનેક નવા હોદ્દા પર રહી ચુકેલા ગેહલોત ત્રણ વખત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બની ચુક્યા છે. અનેક દેશોની યાત્રા કરી ચુક્યા છે. ઇન્દિરા ગાંધીના ફેવરિટ નેતાઓ પૈકીના એક નેતા તરીકે હતા. સુનિતા ગેહલોત સાથે લગ્ન કર્યા બાદ તેમને એક પુત્ર અને એક પુત્રી છે.