અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આતંરિક નારાજગી અને વિખવાદ હવે જાહેરમાં ઉજાગર થવા લાગ્યા છે. કોંગ્રેસની છાવણીમાંથી આજે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કારણ કે, આશાબહેન પટેલ કોંગ્રેસનું બહુ મોટુ અને મજબૂત માથુ ગણાતું હતું. આશાબહેનના રાજીનામાને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌથી ચોંકાવનારી અને નોંધનીય વાત તો એ છે કે, કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, જ્યારે વડાપ્રધાનમોદીએ સવર્ણોને ૧૦ ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.
આમ, આશાબહેન પટેલે રાહુલના નેતૃત્વને નિષ્ફળ ગણાવી વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કરતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશાબહેન પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નીવડ્યું છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ. હાલ જ્યારે આપણા વડાપ્રધાને ૧૦ ટકા સવર્ણ અનામત આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ લે છે. આ સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા, સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પ્રજાના કામોમાં સહયોગ ન મળતો હોવાથી ચૂંટાયેલ સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી. જ્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી તેમની કોઈ રજૂઆત નહોતી. ભાજપ લાલચ આપી કોંગ્રેસના નેતાઓને તોડે છે.
પરિવાર હોય કે પક્ષ નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે. તેમના મત વિસ્તારના મતદારો સાથે પરામર્શ કર્યા વિના નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલાં સ્થાનિક કક્ષાએ ચર્ચા કરાઈ હતી. છેલ્લા દસ વર્ષથી રાજનીતિમાં સક્રિય આશા પટેલની ૨૦૧૨માં ઊંઝા બેઠક પર ભાજપ સામે હાર થઈ હતી. પરંતુ ૨૦૧૭માં નારાયણ લલ્લુ પટેલને હરાવીને તેમણે મહત્વની જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંઝા બેઠકમાં વડાપ્રધાનનું ગામ વડનગર પણ આવે છે. આશાબહેન પટેલના રાજીનામાથી કોંગ્રેસની છાવણીમાં ભારે ચકચાર મચી ગઇ છે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમા પર પહોંચી ગઈ છે. મહેસાણા જિલ્લાના ઉંઝા ક્ષેત્રમાંથી ધારાસભ્ય આશા પટેલ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાનું રાજીનામું સોંપી દેતા વિધાનસભા અધ્યક્ષે રાજીનામું સ્વીકારી લીધું હતું. ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં પટેલે ભાજપ પાસેથી ઉંઝા સીટ આંચકી લીધી હતી. ઉંઝા મહેસાણા લોકસભા સીટમાં આવનાર સાત વિધાનસભા ક્ષેત્રો પૈકી એક છે. સાત વિધાનસભા ક્ષેત્રો પૈકી ચાર ભાજપ પાસે અને ત્રણ કોંગ્રેસ પાસે છે. મહેસાણા લોકસભા સીટ ભાજપ પાસે રહેલી છે. સત્તારૂઢ ભાજપમાં સામેલ થવાને લઈને હજુ સુધી કઈ વાત કરી નથી પરંતુ ટુંકમાં જ ભાજપમાં સામેલ થઈ શકે છે.