અમદાવાદ: ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાને છ દિવસનો સમય પસાર થઈ ગયો છે, છતાં હજુ તેઓ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં પરત ફરશે તે મુદ્દે વલણ સ્પષ્ટ કર્યું નથી. બીજીબાજુ, તમામ અટકળો અને તર્ક-વિતર્કો વચ્ચે આશાબેન પટેલે આજે ઉંઝા ખાતે તેમના કાર્યકરો અને સમર્થક-ટેકેદારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. ભાજપમાં જોડાવા અંગે આશાબહેને જણાવ્યું છે કે, મારા કાર્યકરો જે નિર્ણય કરશે તે નિર્ણયનું હું પાલન કરીશ. તેમનો નિર્ણય હું માથે ચડાવીશ. બીજીબાજુ, આશાબહેન પટેલ ગમે તે ઘડીયે ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. જા કે, ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
દરમ્યાન આશાબહેન પટેલે જણાવ્યું હતું કે, મેં રાતના ૧૨ વાગ્યે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. મેં ઉતાવળમાં રાજીનામું લખીને આપ્યું હતું. મારા અક્ષર ખૂબ સારા છે પણ રાજીનામું ખૂબ ખરાબ અક્ષરે લખ્યું હતું. મેં રાજીનામું આપ્યું એની આગલી રાત્રે મને મહેસાણા નગરપાલિકાના નગરસેવકો મળવા આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદની સાથે ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર આશાબેન પટેલે એક અઠવાડિયા બાદ પણ ભાજપમાં જાડાવું કે ઘરવાપસી કરવી તે મામલે ફોડ પાડયો નથી. ત્યારે લોકસભાની ચુંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપનાર આશાબેન પટેલ અત્યારે અનેકવિધ ચર્ચાઓ, અફવાઓ અને આરોપો વચ્ચે ફસાયેલા છે.
જેમાં પાસના ભાજપના કન્વીનર દ્વારા આશાબેન પટેલનાં રાજીનામામાં ૨૦ કરોડનો સોદો થયો હોવાનો આરોપ કરવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. જયારે ભાજપ દ્વારા લોકસભાની ચુંટણી માટે યોજાયેલા સંમેલનમાં ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ માટે નો-એન્ટ્રી કરાવી હતી. બીજી તરફ આશાબેન પટેલ આજકાલમાં જ ભાજપમાં જોડાય તેવી જોરદાર અટકળો વચ્ચે તેમને પાટણ યુનિવર્સીટીના વીસી બનાવવાની ઓફર કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. તો કેટલાક સમર્થકો આશાબેન પટેલ ભાજપમાંથી જ મહેસાણા લોકસભાની ચુંટણી લડે તે માટે ઉત્સુક જણાતાં સમગ્ર મામલે સસ્પેન્સ વધ્યું છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે આશાબહેન પટેલે આજે ઉંઝા ખાતે તેમના કાર્યકરો અને સમર્થક-ટેકેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી અને તેમનો અભિપ્રાય, લાગણી અને નિર્ણય જાણ્યા બાદ તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી શકયતા છે. જેને લઇ હવે આશાબહેનના નિર્ણય પર ભાજપ અને કોંગ્રેસની નજર મંડાઇ છે.