મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારપુર રેલવે સ્ટેશન પર આશ્વર્ય જનક ઘટના ઘટી છે. અહી એક રેલવે પ્લેટફોર્મ પરથી બીજા રેલવે પ્લેટફોર્મ પર જવા માટે ઉપયોગમાં લેવાતા ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ તે સમયે તૂટી ગયો જ્યારે તેના ઉપરથી કેટલાક લોકો બીજા પ્લેટફોર્મ તરફ જઇ રહ્યા હતા. આ ઘટનામાં બ્રિજનો સ્લેબ તૂટતાં તેની ઉપર હાજર લોકો નીચે રેલવે ટ્રેક પર પટકાયા હતા. આ અકસ્માતમાં ૧૩ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. અકસ્માત સાંજે ૫ઃ૧૦ સર્જાયો હતો. જેવો જ પુલનો એક ભાગ નીચે તૂટ્યો, સ્ટેશનના પ્લેટફોર્મ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો. લોકો આમતેમ દોડવા લાગ્યા. ઉતાવળમાં રેલવે સ્ટાફ અને કેટલાક લોકોએ મળીને ઇજાગ્રસ્તોને ત્યાંથી નિકાળ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ફૂટ ઓવરબ્રિજનો ભાગ જેવો જ તૂટ્યો તેની સાથે પડનાર લોકોનું શરીર રેલવે હાઇ સ્પીડ વોલ્ટેજ ઓવરહેડ તાર ટકરાયા, જેના લીધે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ ત્યાં પોલીસને ગોઠવી દેવામાં આવી જેથી કોઇપણ પ્રકારની નાસભાગની સ્થિતિને ઉકેલી શકાય. સીપીઆરઓ સીઆર શિવાજી સુતારે ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે નાગપુર મંડળના બલ્લારપુરમાં આજે સાંજે લગભગ ૫.૧૦ વાગે ફૂટ ઓવર બ્રિજનો પ્રી-કાસ્ટ સ્લેબનો ભાગ તૂટી ગયો. ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા અને તમામને પ્રાથમિક ઉપચાર બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને જણાવ્યું કે આ અકસ્માતમાં કોઇપણ મુસાફરના હતાહતની સૂચના નથી.
સીપીઆરઓ સીઆરએ જણાવ્યું કે રેલવે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને એક લાખ રૂપિયા અને સામાન્ય રૂપથી ઘાયલ લોકોને ૫૦,૦૦૦ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.