વિશ્વ આરોગ્ય સંસ્થાના પાણી અને વાયુ પ્રદૂષણના અહેવાલ મુજબ વિશ્વના સૌથી ૨૦ પ્રદૂષિત શહેરોમાં ૧૪ ભારતના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યુએચઓ)એ દુનિયાભરના ૧૦૮ દેશના ૪૩૦૦ શહેરના અભ્યાસ પરથી સૌથી પ્રદૂષિત પીવાના પાણીનો ડેટા જાહેર કર્યો છે. આ ચોંકાવનારા અહેવાલમાં જણાવાયું છે કે, દુનિયાના સૌથી ગંદુ પાણી પીતા વિશ્વના વીસ શહેરમાં એકલા ભારતના ૧૪ શહેરનો સમાવેશ થાય છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો ૨૦૧૬માં આ તમામ શહેરોના પાણીમાં પ્રદૂષણનું સ્તર પીએમ૨.૫ (પ્રતિ ક્યુબિક મીટર ૧૭૩ ગ્રામ પર્ટિક્યુલર મેટર) જેટલું છે.

ભારતમાં સૌથી ગંદુ પીવાનું પાણી ધરાવતા શહેરોમાં વારાણસી, કાનપુર, ફરીદાબાદ, ગયા, પટણા, આગ્રા, મુઝફ્ફરનગર, શ્રીનગર, ગુરુગ્રામ, જયપુર, પતિયાલા અને જોધપુરનો સમાવેશ થાય છે. આ યાદીમાં ચીન અને મોંગોલિયાના કેટલાક શહેરો તેમજ કુવૈતના અલી સુબહ અલ સાલેમ શહેરનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે, વિશ્વ આરોગ્ય સંસ્થાના અર્બન એર પોલ્યુશનના આંકડા પ્રમાણે ઘરેલુ અને બાહ્ય વાતાવરણના પ્રદૂષણથી ભારતમાં દર વર્ષે ૨૪ લાખ લોકોના મોત થાય છે. આ આંકડો દુનિયાભરમાં થતાં કુલ ૭૦ લાખ મોતથી ૩૪ ટકા છે. આ અહેવાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ દક્ષિણ પૂર્વ એશિયાના સભ્ય દેશોને તાત્કાલિક ધોરણે પાણી અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની અપીલ કરી છે.

ઉપરાંત અહેવાલમાં જાણવા મળ્યું છે કે દિલ્હીમાં પાણી અને વાયુનું પ્રદૂષણ ઘટયું છે અને દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ૨૦૧૦ની સરખામણીએ ૨૦૧૪માં ઘટયું હતું. એટલું જ નહીં, ૨૦૧૬ સુધીના છ વર્ષમાં વાયુ પ્રદૂષણ ઘટાડનારા દુનિયાના વિવિધ શહેરોમાં દિલ્હીને છઠ્ઠો ક્રમ અપાયો છે. એક સમયે દિલ્હીનું પ્રદૂષણ નેશનલ સેફ સ્ટાન્ડર્ડના આંકડાથી ત્રણ ગણું વધારે હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ દાવો કર્યો છે કે, ૨૦૧૬ની સરખાણીએ ૨૦૧૭માં દિલ્હીનું પ્રદૂષણનું સ્તર સુધર્યું છે, પરંતુ એ વિશે બોર્ડે હજુ સુધી કોઈ આંકડા જાહેર કર્યા નથી. હજુ પણ વિશ્વની કુલ વસતીમાંથી ૪૦ ટકા પાસે રસોઇનો ધુમાડો ના થાય એવી ટેક્નોલોજી નથી.

Share This Article