અમદાવાદ : ટેક્સટાઈલથી લઈને રિટેલ સહિતના ક્ષેત્રોમાં વ્યાપક કામગીરી ધરાવતી ૧.૭ અબજ ડોલરના કદની અરવિંદ લિમિટેડે તેની વિસ્તરણની યોજનાના ભાગરૂપે આજે ગુજરાતમાં તેના સૌથી મોટા ગારમેન્ટિંગ કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. કુલ ત્રણ ઉત્પાદન એકમોમાંથી બે અમદાવાદ નજીક બાવળામાં આવેલા છે. જ્યારે ત્રીજી ઉત્પાદન સુવિધા આગામી સપ્તાહમાં કાર્યરત થશે. આશરે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે સ્થપાયેલી આ ઉત્પાદન સુવિધાઓ વૈશ્વિક ટેક્સટાઈલ અને ગારમેન્ટિંગ બજારમાં કાપડના ઉત્પાદનથી લઈને ફેશન સુધીની કામગીરીના સંકલિત ઉત્પાદક તથા વૈશ્વિક રિટેલર્સ અને બ્રાન્ડ્સને સોલ્યુશન ઉપલબ્ધ બનાવનાર તરીકેના અરવિંદના ટોચના સ્થાનને વધુ મજબૂત બનાવશે.
એટલું જ નહી, આ નવા સાહસને પગલે લગભગ ૧૨ હજારથી વધુ લોકોને રોજગારી મળશે. ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવિંદ લિ.ની દૂરંદેશીતા અને હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અરવિંદ દ્વારા ગારમેન્ટિંગ હબની સ્થાપના એ ગુજરાત રાજ્યના વિકાસ માટે એક નોંધપાત્ર ઘટના છે. આ ઉત્પાદન સુવિધાઓથી રાજ્યના સમાવેશ વિકાસ માટે રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્ય સરકાર નવી ગારમેન્ટ નીતિના માધ્યમથી આ ક્ષેત્રે આગામી પાંચ વર્ષમાં રૂ.૧ લાખ કરોડના રોકાણ અને ૧૦ લાખ રોજગારીની તકોના નિર્માણનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર તમામ મદદ પૂરી પાડશે. દરમ્યાન અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય લાલભાઈએ જણાવ્યું હતું કે હાલમાં અમારા દ્વારા ઉત્પાદિત કુલ કાપડમાંથી માત્ર ૧૦ ટકાનું જ ગારમેન્ટમાં રુપાંતરણ થાય છે. આગામી પાંચ વર્ષમાં આ પ્રમાણ વધારીને ૫૦ ટકા કરવાનો અમારો લક્ષ્યાંક છે. બાળવાની ઉત્પાદન એકમ આ દિશામાં લેવાયેલું પગલું છે. રૂ. ૩૫૦ કરોડનું રોકાણ તથા તાલિમબદ્ધ કર્મચારીઓની મદદથી આ નવી સુવિધાઓ દ્વારા અરવિંદની કુલ આવકમાં રૂ. ૧,૦૦૦ કરોડનો વધારો થવાની અપેક્ષા છે.
આ સુવિધાઓથી કંપનીની વર્તમાન ક્ષમતામાં માસિક ૩૦ લાખ ગારમેન્ટ્સનો ઉમેરો થશે અને આશરે ૧૨,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે. આ વિશાળ કદની ઉત્પાદન સુવિધાની આસપાસ રોજગારીની અન્ય સંલગ્ન તકો પણ મોટાપાયે સર્જાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અરવિંદ આ તમામ નવા મુખ્ય કેન્દ્રોમાં તેની મહિલા સશક્તિકરણ, શિક્ષણ તથા સામાજિક-આર્થિક વિકાસની પહેલ અંતર્ગત તેના સ્થાપિત કાર્યક્રમો આગળ ધપાવશે. અરવિંદ લિમિટેડને તાજેતરમાં જ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) તરફથી તેના બ્રાન્ડેડ એપેરલ તથા એન્જિનિયરિંગ કારોબારનું ડિમર્જર કરી એક અલગ કંપની સ્થાપવાની મંજૂરી મળી છે.