નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સાંજે તેઓ એલજી ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. પાર્ટીના નેતા આતિશી પણ તેમની સાથે હતા. આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સીએમ પદની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે જનતા તેમને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર આપશે ત્યારે જ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આતિશીએ કેજરીવાલના અનુગામી તરીકે પસંદ કરવા બદલ પાર્ટીના વડાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને પોતાના ગુરુ કહ્યા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા ભાજપના નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત સીએમ રહી ચૂક્યા છે. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ કહ્યું કે, કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમને ખોટા કેસમાં 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અંગે કડક ટિપ્પણી કરી છે. જો કેજરીવાલની જગ્યાએ અન્ય કોઈ નેતા હોત તો તે તરત જ ખુરશી પર બેસી જતા. પરંતુ, કેજરીવાલે જે કર્યું છે, તે દુનિયાના કોઈ નેતાએ કર્યું નથી.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં આતિશીએ કહ્યું કે, એક તરફ ખુશી છે તો બીજી બાજુ દુઃખ પણ છે. દુઃખદ છે કે લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપી રહ્યા છે. આગામી કેટલાક મહિનાઓ સુધી હું માત્ર એક જ લક્ષ્ય પર કામ કરીશ. તે લક્ષ્ય કેજરીવાલને મુખ્યમંત્રી પદ પર પુનઃસ્થાપિત કરવાનું રહેશે. હું તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી તરીકે કામ કરીશ. આતિશીએ પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરોને આ પ્રસંગે અભિનંદન ન આપવા કહ્યું, કારણ કે આ તેમના માટે દુઃખદ ક્ષણ છે. કેજરીવાલે મારા પર વિશ્વાસ કર્યો, મને ધારાસભ્ય બનાવી, પછી મંત્રી અને હવે મુખ્યમંત્રી બનાવી. હું તેમની આભારી છું. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. જો હું અન્ય કોઈ પક્ષમાં જોડાઇ હોત તો મને ચૂંટણી લડવાની ટિકિટ પણ ન મળી હોત.
એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બે દિવસ પછી, રવિવારે, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. દિલ્હીમાં વહેલી ચૂંટણીની પણ માંગ કરશે.