નવી દિલ્હી: કિડનીની સર્જરીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી દુર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આજે નાણાં પ્રધાન તરીકેની જવાબદારી ફરી સંભાળી લીધી હતી. તેમની ગેરહાજરીમાં આ જવાબદારી પિયુશ ગોયલ સંભાળી રહ્યા હતા. એક સત્તાવાર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે નાણાં મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલયની જવાબદારી અરૂણ જેટલીને સોંપી દેવાનો આદેશ જારી કર્યો છે.
જેટલી એવા સમય પર ફરી વાપસી કરી રહ્યા છે જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયાની હાલત કફોડી બનેલી છે.કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ઉપર ૧૪ મી મેના દિવસે એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી જેટલી ત્રણ મહિનાથી આરામ પર હતા. તે પહેલા જેટલીને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મી મેના દિવસે સવારે ૮ વાગે ઓપરેશન શરૂ થયું હતું.
કિડની સાથે સંબંધિત સમસ્યાથી પરેશાન અરુણ જેટલી છેલ્લા એક મહિનાથી ડાયાલીસીસ પર ચાલી રહ્યા હતા. જેટલી પરિવારના મિત્ર અને એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના ભાઈ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર સંદીપ ગુલેરિયા પણ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ટીમમાં સામેલ રહ્યા હતા. અરૂણ જેટલી નાણાંકીય મામલામાં ખુબ નિષ્ણાંત તરીકે રહ્યા છે. તેમના પગલાની સતત નોંધ લેવામાં આવી છે.