નવી દિલ્હી : અરુણ જેટલીએ આજે એક મહિનાના ગાળા બાદ નાણામંત્રી તરીકેની જવાબદારી ફરી સંભાળી લીધી હતી. જેટલીએ અમેરિકામાં સારવાર લીધા બાદ હાલમાં જ પરત ફર્યા છે. એ વર્ષના ગાળામાં બીજી વખત સારવાર માટે જેટલીને પોતાના મંત્રાલયના કામકાજથી રજા લેવાની ફરજ પડી હતી. આજે જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીની સલાહ બાદ અરુણ જેટલીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયની જવાબદારી સોંપી દેવા માટે સૂચના જારી કરી હતી.
ત્યારબાદ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નાણામંત્રાલયમાં તેઓ ફરી સક્રિય થયા છે. જેટલીએ કહ્યું હતું કે, તેઓ પીયુષ ગોયેલનો પણ આભાર માને છે. ગોયેલે તેમની ગેરહાજરીમાં સફળરીતે જવાબદારી સંભાળી હતી. સોફ્ટ ટિશ્યુ કેન્સર અંગેની માહિતી મળ્યા બાદ જેટલી ૧૩મી જાન્યુઆરીના દિવસે સારવાર માટે ન્યુયોર્ક પહોંચ્યા હતા. છેલ્લા સપ્તાહમાં સારવાર કરાવ્યા બાદ તેઓ ભારત આવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ૨૩મી જાન્યુઆરીના દિવસે ગોયેલને નાણામંત્રાલય તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે પુલવામા હુમલાના સંદર્ભમાં થયેલી ચર્ચામાં પણ જેટલીએ ભાગ લીધો હતો.
સુરક્ષા મામલાની મંત્રીમંડળની બેઠકમાં જેટલી ઉપસ્થિત રહ્યા હતા. ગઇકાલે કરવામાં આવેલા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ બેઠક બાદ જેટલી નોર્થ બ્લોક ઓફિસાં ગયા હતા જ્યાં નાણામંત્રાલયની ઓફિસ આવેલી છે. વડાપ્રધાનના આવાસ ઉપર યોજાયેલી સીસીએસની બેઠક બાદ જેટલી બપોરના ગાળામાં નોર્થબ્લોક માટે રવાના થયા હતા. જેટલીની ગેરહાજરીમાં નાણામંત્રાલયનો હવાલો રેલવેમંત્રી પીયુષ ગોયેલની પાસે હતો. ગોયેલે જ મોદી સરકારનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.