નવી દિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ આજે ન્યુ ઇન્ડિયા માટેની નીતિ આયોગની વ્યૂહરચના રજૂ કરી હતી. આ પેપરમાં ૨૦૨૨માં તેની સ્વતંત્રતાના ૭૫માં વર્ષમાં દેશ માટે મોટા ઉદ્દેશ્યો હાસલ કરવાની વાત કરવામાં આવી છે.
અરુણ જેટલીએ કહ્યું હતું કે, ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ યુગમાં અમે ઉભા છીએ જ્યાં અમને ગુમાવી દીધેલી તકોને ફરી ઉભી કરવી પડશે. જા કે, જેટલીએ કબૂલાત કરી હતી કે, ૧૯૯૧ બાદથી આર્થિક સુધારાઓના ઇચ્છિત પરિણામ મળી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે, સુધારાઓ ઉપર ભાર આપવાની સાથે સાથે સામાજિક ગંભીરતા અને ઇચ્છા શકિત પણ જરૂરી રહેલી છે.
નીતિ આયોગની વ્યૂહરચનાના પેપર મુજબ સરકાર ટેક્સ ટુ જીડીપી રેશિયોને વધારીને ૨૨ ટકા કરવા માટે ઇચ્છુક છે. આર્થિક વિકાસદરની ગતિને આઠ ટકા કરવા ઇચ્છુક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય રેલવે માટે એક સ્વતંત્ર રેગ્યુલેટર સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવે છે. વ્યૂહરચના પેપરમાં અન્ય અનેક મત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેક્સ ટુ જીડીપી રેશિયો વધારવાને લઇને મહત્વપૂર્ણ ફેરફારોનો દોર સરકારના આંતર મંત્રાલયોમાં ચાલી રહ્યો છે. મોદી દ્વારા નવા દિશા નિર્દેશો પણ કરવામાં આવ્યા છે.