નવીદિલ્હી: કિડનીના સફળ ઓપરેશન બાદ હાલના દિવસોમાં આરોગ્યલાભ લઇ રહેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી સક્રિય રાજનીતિથી દૂર થયેલા છે પરંતુ ટિવટર મારફતે તેમની ઉપસ્થિતિ સતત પુરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિના સંદર્ભમાં જેટલી સતત વાત કરતા રહે છે. વિરોધ પક્ષના મામલે પણ જેટલી વાત કરતા રહે છે.
ટ્વિટ અને બ્લોગના માધ્યમથી જેટલી સતત લખાણમાં વ્યસ્ત રહે છે. ટિવટર ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. મોદી સરકારમાં બે નંબરની પોઝિસન ધરાવનાર અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ટિવટર ઉપર સૌથી વધારે પસંદ કરવામાં આવનાર નેતા તરીકે બની ગયા છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ૧૩ મિલિયન અથવા તો એક કરોડ ૩૦ લાખ સુધી પહોંચી ગઈ છે જ્યારે મોદીના ફોલોઅર્સની સંખ્યા ૪૩.૨ મિલિયન અથવા તો ૪ કરોડ ૩૨ લાખ સુધી પહોંચી છે. ફેસબુક ઉપર ૩૧ લાખથી વધુ ફોલોઅર્સ રહેલા છે.
મોદી ટિવટર ફોલોઅર્સની સંખ્યાના મામલામાં દુનિયામાં ત્રીજી સૌથી મોટી હસ્તી તરીકે છે. સૌથી વધારે ફોલોઅર્સ પોપ ફ્રાંસિસ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવનાર પ્રથમ મહિલા હસ્તી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના ૧૧.૪ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના ૧૧.૩ મિલિયન ફોલોઅર્સ છે. સાઉદી અરબના શાહ સલમાન રિટ્વિટના મામલામાં સૌથી આગળ રહ્યા છે. તેઓએ મે ૨૦૧૭થી મેં ૨૦૧૮ સુધી માત્ર ૧૧ ટ્વિટ કર્યા છે પરંતુ તેમના દરેક ટ્વિટને સરેરાશ ૧૫૪૨૯૪ રિટ્વિટ આપવામાં આવ્યા છે.