ગયા વખતે આપણે સફળ પેરેન્ટિંગ તરફ સાત પગલા ભાગ – ૧માં પહેલા પગલામાં લેબલબાઝ ના બનો વિશે જાણ્યું હવે આ શ્રેણીના બીજા ભાગમાં આપણે આ વિષય પર આગળ વધીશું.
૨. તમારા બાળકને જવાબદારી સોંપો / સ્વનિર્ભર બનાવો:-
બાળકોની આંખોમાં સાત નહીં પણ સાત હજાર અજાયબીઓ હોય છે, એમાંથી તે કેટલીક અજાયબીઓની રૂબરૂ થવા ઈચ્છે છે આ સમયે તે પોતાના કાર્યો મુક્ત રીતે કરી શકે તેવી સ્વતંત્રતા તેને આપો, કેટલાક કાર્યો જાતે કરી લે તેવી જવાબદારી સોંપો,
બાળકો જ્યારે અનુભવે છે કે તે જાતે પોતાનું કાર્ય કરી શકે છે, તો તેનામાં સ્વ-બળે કાર્ય કરવાની પ્રેરણા આપ મેળે મળતી હોય છે, એક માતા પિતા તરીકે તેની પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખો અને તેને આગળ વધવામાં મદદ કરો.
તેને નાસ્તાનો ડબ્બો જાતે તૈયાર કરવા દો, શર્ટના બટન પોતાની રીતે બંધ કરવા દો, તેમને શીખવા દો કે બુટની દોરી કેવી રીતે બંધાય છે, તેમને સમજવા દો કે શાળાના ટાઈમ ટેબલ પ્રમાણે વિષય પુસ્તકો કેવી રીતે ગોઠવવા, નાની નાની વસ્તુની ખરીદી સમયે તેને જાતે ગણતરી કરવા દો, સ્કૂલ પ્રોજેકટએ માં-બાપની જવાબદારી નથી, એને સ્વનિર્ભર થઈને સ્કૂલ પ્રોજેકટ જાતે જ પૂરા કરવા દો.
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, તો બાળકને પોતાનું ભવિષ્ય સુંદર કરવામાં હસ્તક્ષેપ કરવાને બદલે તેને સ્વનિર્ભર બનવામાં મદદ કરો. યાદ રાખો કે, જો બાળકના તમામ કાર્યોમાં માતા પિતા જ નિર્ણયો લેતા રહેશે તો જીવનના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તે મૂંઝવણ અનુભવશે. એ વાત પણ એટલી જ સાચી છે કે બાળકને સ્વનિર્ભર બનાવવાની હોડમાં ક્યાંક બાળક અટુલું ના પડી જાય કે અભિમાની ના બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ માટે એક એવી રેખા તૈયાર કરો કે તેમાં તે પોતાની હદને સમજીને સ્વનિર્ભર બને અને પછી વધતી ઉમરે આ રેખાંકનનો વિસ્તાર વિસ્તારતા જાઓ. જવાબદારીની સભાનતા તેને નાનપણથી શીખવાડવામાં આવશે તો આવતી કાલે તે સમાજનો એક જવાબદાર નાગરિક તરીકે ઊભરી આવશે.
૩. તમારા બાળકોના તમે જ રોલ મોડેલ બનો:-
બાળકો માટે તેમના માતા પિતા તેમના પ્રથમ આદર્શ હોય છે, સમયની સાથે સાથે બાળક માતા પિતા પાસે થી વધુને વધુ શીખે છે. થોડુંક અવલોકન કરવામાં આવે તો તમે જોશો કે બાળકની લાઈફ સ્ટાઇલમાં તેના માતા-પિતાની છબી ઊભરી આવે છે, જે માતા-પિતા બાળકોના વિશ્વાસ જાળવી રાખવામા સફળ રહેતા નથી તેઓના બાળકો ગમે તે વ્યક્તિને પોતાના રોલ મોડેલ બનાવવા આકર્ષિત થાય છે.
બાળકોના રોલ મોડેલ બનવા માટે માતા પિતાએ કોઈ વધારે પ્રયાસો કરવાની જરૂર નથી, પોતે જે રીતે જીવન જીવે છે તેમાં નિયમિતતા લાવવામાં આવે, વિચારોને ઉન્નત બનાવવામાં આવે અને કોઈ પણ વિકટ પરિસ્થતિમાં કેવી રીતે ટકી રહેવું તેવા કાર્યો આચરવામાં આવે તો આપનો દીકરો – દીકરી પણ એ જ બાબતનું પાલન કરશે.
સાચું શિક્ષણ એ ઘરના આંગણેથી શરૂ થાય છે, માટે માતા પિતા જો શિક્ષક તરીકેની ભૂમિકા ભજવશે તો જ બાળક વિધાર્થીની ભૂમિકા નિભાવશે, જો તમે સારા પુસ્તકો વાંચવાના શોખીન છો તો આવતી કાલે બાળકોમાં એવાં જ ગુણો વિકસશે, જો આવનારી મુસીબત સમયે તમે નીડરતા પૂર્વક સામનો કરશો, તો બાળકો તમારી આ બાબતોનું અનુકરણ કરશે, તમે સમાજ સેવા, ભક્તિરસ કે લોકો સાથે હળીમળીને રહેવામાં માનો છો તો આપનું બાળક પણ એમ જ કરશે, આપણે એ વાત માનવી પડશે કે બાળક જેટલું આપના કહેવાથી શીખે છે તેનાથી વધુ આપણાં અનુકરણથી શીખે છે માટે આપણે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ ખોટી આદત બાળકોમાં એવા જ ગુણ જન્માવેશે, જો તમે ઓફિસેથી આવીને તમારી બેગ, બુટ અને મોંજા જેમતેમ ફેંકો છો તો તમારું બાળક પણ શાળાએથી આવી ને એવી જ બાબતોનું પુનરાવર્તન કરશે, જેથી કરીને તેનામાં સારા ગુણોનો વિકાસ થાય તે બાબતે સતત જાગ્રત રહેવું પડશે.
૪. બાળકો સાથે સંપર્ક કેળવો:-
બાળક માતા પિતા સાથે વાતચીત કરતાં ગભરાય, ડર અનુભવે કે પછી મર્યાદાની જાળમાં વીંટડાયેલો રહેશે તો કેવી રીતે તમારી સાથે પોતાની મૂંઝવણની ચર્ચા કરશે? બાળકોને બિનશરતી પ્રેમ કરો અને માતપિતાની સાથે સાથે તમે તેના એક ઉમદા મિત્ર પણ છો એવી પ્રતીતિ કરવો, પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી પણ બાળકોને તેની અનુભૂતી કરાવવી ખૂબ આવશ્યક છે.
દરરોજ, તમે તમારા બાળકો સાથે ઓછામાં ઓછી 30 મિનિટ વાતો કરો, તેમની સાથે સંપર્ક બનાવો, જેનાથી બાળકોની આંતરશક્તિઓનો વિકાસ થાય છે અને તે નિર્ભય બને છે. તેના શાળાથી લઈને શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિ વિશે, તેની પસંદ- નાપસંદ વિશે, તેને ગમતા ટીવી શો વિશે વારંવાર વાતો કરતાં રહો. બાળકો સાથે વાર્તાલાપ કરતાં તમે પૂર્ણત: અને સાંભળો છો એવો અહેસાસ તેને કરવો, બાળકોને સાંભળતી વખતે આપણાં ગેઝેટ્સ જેવા કે મોબાઈલ, લેપટોપ, કે પછી ટેલીવિઝન શક્ય હોયતો બંધ રાખો, જેથી તેની વાતોમાં તમે રસ લાવી શકો, અને તેને પણ પોતાની વાત કહેવામા મજા આવે, બાળકો સાથે સંપર્ક કેળવી લેવાથી બાળક ખુલ્લા મને આપણી સાથે ચર્ચા કરી શકે છે. બાળકની પરીક્ષાનો કાર્યક્ર્મ, તેનો અભ્યાસક્ર્મ એની પરિક્ષાલક્ષી તૈયારી જેવી બાબતોમાં તેની ચર્ચાનો ભાગ બનો.
યાદ રાખો કે સારા વક્તા બનતા પહેલા સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી છે, બાળકોને સાંભળવાવાળા તો ઘણા મળી જશે પણ ધ્યાનથી સાંભળવાવાળા માત્ર તમે જ છો.
વધતી ઉમરે બાળકો તમારા સૂચનો સાંભળે એમ તમે ઈચ્છો છો તો અત્યારે બાળકોને સાંભળવા માટે પણ સમય કાઢવો પડશે. નહિતર વધતી ઉમરે બાળક સમાજની વચ્ચે એવી ફરિયાદ કરશે કે અમારે કૈંક કહેવું છે પણ અમને કોઈ સાંભળતું નથી. બાળકો જ્યારે કુટેવનો ભોગ બને છે ત્યારે તેનું એક કારણ માં-બાપની સંતાનો પ્રત્યેની લાપરવાહી પણ હોય છે .
નાની ઉમરે બાળકોને દરરોજ એક વાર્તા સંભળાવો, તમારી વાર્તામાં બહાદુરી, પ્રેમ, લાગણી ચતુરાઇ અને બુદ્ધિક્ષમતાના વિષયોને આવરી લો, સુતા પહેલા કૈંક નવું શિખશે કે જાણશે તો તેનો વિકાસ સાચા માર્ગે થશે.
જે માતપિતા પોતાના બાળકોને સાંભળે છે તેની અનેક કુતૂહલતાને સંતોષે છે તેવા દીકરા – દીકરીઓ ક્યારેય માતપિતાની આવગણના કરતાં નથી. બાળકો અને તમારી વચ્ચે અજાણતા જ કમ્યુનિકેશન ગેપ ન વધે એ સારું બાળકોને સાંભળો.
(ક્રમશઃ)
નિરવ શાહ