માતા પિતા દ્વારા બાળકોમાં થતાં ઉછેર કે કેળવણીને આપણે ‘સંસ્કાર’ કહીએ છીએ. વ્યક્તિનું વ્યક્તિત્વ, તેનો સ્વભાવ, તેની વિચારશૈલી, તેનો શોખ તેની આદતો, તેની અભિરુચિ અને તેની ઘણી બધી લાક્ષણિક્તાઓમાં માતા પિતા એ કરેલા ઘડતરની ઝાંખી થતિ હોય છે, એમ કહીએ તો ખોટું નથી કે માતા પિતાની કેળવણીઍ વ્યક્તિના ચરિત્રમાં ઉભરી આવે છે. કેળવણી એટલે બાળકોને એવી રીતે કેળવવું કે જે આવનારી પરિસ્થિતી સામે કેવીરીતે વર્તવું., તેવી સમજ આપવી, આવનારી ક્ષણ શી હશે તેવું શિખવે તેવું શિક્ષણ જ્યારે બાળકોમાં રોપાય ત્યારે કેળવણી આપી તેમ કહેવાય.
કેટલાંક માતા પિતા પોતાના બાળકો પ્રત્યે કેવો અભિપ્રાય ધરાવે છે તેના ઉદાહરણ અહીંયા રજૂ કર્યા છે, આ મંતવ્યો બાળકો માટે યોગ્ય છે કે કેમ એ તમે જ નક્કી કરો.
- અમારા સંજુ ને એના પપ્પાની બહુંજ બીક લાગે, તેના પપ્પા ઓફિસેથી ઘરે આવે એટલે વાત પૂરી.
- મારો દીકરો તો હું આંખ કાઢું એટલે સમસમી જાય.
- છોકરાઓને મારો નહીં તો તે વંઠી જાય.
- છોકરાઓ આપણાથી બીવે કેમ નહીં? જેવી આદત પાડીશું તેવી આદત પડશે.
- મારો દીકરો એટલો તો તોફાની છે કે જ્યાં સુધી મારા હાથનો માર ના ખાય ત્યાં સુધી ઊંઘે જ નહીં.
- અમારા બે માણસના ઝગડામાં સંજુને માર પડે જ એ વાત પાકકી. મારો સંજુ કોઈ ના ત્યાં એકલો જાય જ નહીં, એ જમવાનું પણ મને પૂછીને જ જમે.
- છોકરાઓ તો આપની નજરની સામે જ સારા.
- અમારો સંજુ તો બહું જ જિદ્દી છે, એ જે માંગે તે લઈને જ આપવું પડે નહિતર આખું ગામ ગજવે.
શું લાગે છે આ અભિપ્રાયોમાંથી એક પણ અભિપ્રાયમાં તમે તમારા બાળકોની દ્રષ્ટિએ સફળ માતા પિતા ગણી શકાવો?
ડરાવીને, ધમકાવીને, લડીને કે મારઝુડ કરીને જ બાળકનું ઘડતર ના કરી શકાય, દીકરા- દીકરી પરા હાથ ઊપડતાં પહેલા તમે એકવાર પણ તમે તમારું બાળપણ યાદ કર્યું છે ખરા? શું તમારી મસ્તી આજની પેઢીના બાળકો કરતાં પણ વધુ નહોતી??
બાળકોને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો ક્યાંક બદલોતો નથી લેતા ને?? મારી વાત બાળકોનો પક્ષ લેવાની નથી પરંતુ તેમને કેવી રીતે કેળવવા તે બાબતે છે.
સફળ માતા પિતા બનવા માટેના બજારમાં અસંખ્ય સેમિનાર- વર્કશોપ ચાલે છે. ત્યારે ઘણીવાર એવું થાય છે કે યશોદામાઁએ કે માતા કૌશલ્યાએ કયા પેરેંટિંગ કાઉન્સિલરને મળ્યા હશે? બજારમાં ચાલતા અસંખ્ય પેરેટિંગને લગતા સેમિનાર્સ ને જોતાં ઊંડે ઊંડે ક્યાંક એવું લાગે છે કે આપણે સૌ માતપિતા તરીકેની આપણી ફરજમાં ક્યાંક પાછા પડીએ છીએ. ક્યાંક આપણી કાળજી લેવાની પદ્ધતિમાં ખામી રહી ગઈ છે.
અહીં પેરેંટિંગની સમજને વિસ્તૃત પૂર્વક સમજાવવા અને બાળઉછેરની સમજમાં થોડાક બદલાવ લાવવા કેટલાક સૂચનો રજૂ કર્યા છે. જેનાથી વર્તમાન અને તરોતાજા બનેલા માતા પિતાને તેનો લાભ મળી શકે.
મિત્રો, બાળકના જન્મ સમયથી જ આપણને માતપિતાનું બિરુદ મળે છે, ત્યારે એ સત્યતા સ્વીકારવી જ રહી કે બાળકના જન્મની સાથે સાથે આપણી મમ્મી અને પપ્પા તરીકેની ફરજનો પણ જન્મ થાય છે.
બાળકોએ તો વૃક્ષના થળ સમાન છે, તેમાંથી કેવું રાસરચીલું બનાવવું તે માતપિતા તરીકે આપણે નક્કી કરવાનું છે, દરેક માતા પિતાએ દરેક બાળકે બાળકે અને દરેક પરિસ્થિતિએ ઘડતરની પ્રક્રિયા અલગ અલગ હોય શકે, છતાં, કેટલીક સામાન્ય બાબતોને તારવીને અહીં તેના સુઝાવએ સૂચનો સ્વરૂપે રજૂ કર્યા છે.
1. લેબલબાઝ ‘ના’ બનો :-
તમારા દીકરા કે દીકરીને માથે લેબલ લગાડવાનો હક્ક તમને કદાપિ નથી. એટલુ સમજી લો કે લેબલ લગાવી દેવાથી બાળકની શક્તિઓમાં મર્યાદા આવી જાય છે, તેઓના માથે કોઈ ચોક્કસ લેબલ ના લગાવી દો, જેવાંકે …”તું તો સાવ ડોબો છે.’,
‘તારામાં બુદ્ધિ જ નથી” ,
‘રહેવા દે તને કઈંજ નહીં આવડે’,
‘તું એ કામ નહીં કરી શકે.’,
’આ કામ તારા લાયક નથી’,
‘તું સાવ બુદ્ધુ નો બુદ્ધુ જ રહેવાનો.’
તમે જરાક સમજો કે તમારું બાળકએ કુમળો છોળ છે તેને જેમ વાળશો તેમ વળશે, તેને શીખવા દો, તેનામાં રહેલી શક્તિઓને ખીલવાદો, તે ઉન્નત કાર્યો કરવા સર્જાયો છે, એવી સતત પ્રતિતિ કરાવો, તેના કાર્યોમાં ભૂલ થાય તો તેને સુધારવાનો ચાન્સ આપો, ભૂલ થઈ છે તો સુધરશે પણ ખરી, પરંતુ એકવાર ભૂલ થઈ એટલે આગળ જતા ભવિષ્યમાં પણ ભૂલ કરશે જ એવી ધારણા ખોટી છે, તેના કર્યો માટે તેને આઝાદી આપો, અને તેને વિસ્તરવા માટે પૂરતો સમય આપો.
(ક્રમશઃ)
નિરવ શાહ