નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર ઉપર સરકારના ઐતિહાસિક નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનના મંત્રીઓ અને વડાપ્રધાન પોતે પણ અનેક વખત આડેધડ નિવેદન કરી રહ્યા છે. ભારતમાં હુમલા કરવાની ધમકી પણ આપી રહ્યા છે. ભારતના નિર્ણયની વ્યાપક ટિકા કરી રહ્યા છે. હવે વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં જવાની વાત કરી છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ને દૂર કરી દીધી છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યું છે.
જમ્મુ કાશ્મીરની વર્તમાન ગતિવિધિને લઇને આજે પાકિસ્તાન સંસદની બેઠક બોલાવવામાં આવી હતી. ઇમરાન ખાને સંયુક્ત સત્રને સંબોધતા કહ્યું હતું કે, અમે કાશ્મીરના મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જઇશું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને બતાવવામાં આવશે કે ભાજપની રણનીતિ ખુબ જ અયોગ્ય રહેલી છે. ભારતમાં લઘુમતિ સમુદાયના લોકો સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. ઇમરાને દલીલ આપી હતી કે, કાશ્મીરના મુદ્દાને લઇને તેઓ અફઘાનિસ્તાન, ઇરાન અને અમેરિકાની યાત્રા કરી ચુક્યા છે.
ભારતની વર્તમાન ગતિવિધિનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ઉઠાવવામાં આવશે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં પણ ગતિવિધિ તીવ્ર બની ગઈ છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલય તરફથી આની નિંદા કરવામાં આવી છે. બીજી બાજુ શ્રીલંકાએ કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને કહ્યું છે કે, આ ભારતનો આંતરિક મામલો છે. આમા શ્રીલંકા કોઇ દરમિયાનગીરી કરશે નહીં. શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘેએ કહ્યું છે કે, લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની બાબત ભારતનો આંતરિક મામલો છે. બીજી બાજુ પાકિસ્તાને કહ્યું છે કે, જા જંગ લાદવામાં આવશે તો તેના માટે પણ અમે તૈયાર છીએ.