નવીદિલ્હી : મોદી સરકાર-૨નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવે તેના એક દિવસ પહેલા દેશના અર્થતંત્રના આરોગ્યને લઇને રિપોર્ટ એટલે કે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વે રજૂ કરીનેસ્થિતિ સ્પષ્ટ કરી હતી. આર્થિક સર્વે મુખ્યરીતે બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા રહી છે જેમાં દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેમાં છેલ્લા ૧૨ મહિનાના ગાળા દરમિયાન દેશમાં વિકાસના પ્રવાહની સ્થિતિ, યોજનાઓને કઇરીતે અમલી કરવામાં આવી છે તે અંગે માહિતી આપવામાં આવે છે.
આ વખતના આર્થિક સર્વેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દરને જીડીપીના સાત ટકા રાખવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ૨૦૧૮-૧૯માં જીડીપીના વૃદ્ધિદર પાંચ વર્ષની સૌથી નીચી સપાટી ૬.૮ ટકા સુધી રહ્યો હતો. સાત ટકાના ગ્રોથનો મતલબ એ થયો કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગેકૂચ કરનાર અર્થતંત્ર તરીકે રહેશે. બીજી બાજુ ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો થવાના સંકેત આમા દેખાઈ રહ્યા છે. દેશના વિકાસદરમાં ગતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આર્થિક સર્વેમાં ૨૦૧૯-૨૦માં જીડીપીનો વૃદ્ધિદર સાત ટકા રહેવાનો અંદાજ છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ૬. ટકા રહ્યો હતો. આર્થિક સર્વેમાં આર્થિક વૃદ્ધિ માટે સારી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દેશને ૨૦૨૪-૨૫ સુધી ૫૦૦૦ અબજ અમેરિકી ડોલરના અર્થતંત્ર બનાવવા માટે જીડીપીનો વૃદ્ધિદર સતત આઠ ટકા રાખવાની જરૂર રહેશે.
સમીક્ષા કહે છે કે, ૨૦૨૪-૨૫ સુધી ભારતને ૫૦૦૦ અબજ ડોલરના અર્થતંત્રને બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટાર્ગેટને હાંસલ કરવા માટે ભારતને પોતાની વાસ્તવિક વૃદ્ધિદરને આઠ ટકા ઉપર જાળવી રાખવાની જરૂર રહેશે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, માંગ, નોકરી, નિકાસની જુદી જુદી સમસ્યાઓ નડી રહી છે. આ તમામ પડકારોને પાર પાડવા માટે સરળ નથી. આ તમામને સમસ્યા તરીકે નહીં ગણીને એક સાથે જાડીને જાવામાં આવે તે જરૂરી છે. ભારતના સરેરાશ વૃદ્ધિદર ૨૦૧૫-૧૬ તથા ૨૦૧૭-૧૮માં ચીન કરતા પણ વધારે છે. સર્વેમાં અન્ય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવનાર દિવસોમાં તેલની કિંમતમાં ઘટાડો થશે. સર્વે મુજબ ચાલુ નાણાંકીય વર્ષના ગાળા દરમિયાન તેલની કિંમતોમાં નરમી રહેશે. આર્થિક સર્વે મુજબ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૩.૪ ટકાનો વધારો નોંધાવવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, કોર્પોરેટ ટેક્સ વસુલાતમાં પણ સ્થિતિમાં સુધારો થયો છે.
ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બજેટ અંદાજ કરતા ૧૬ ટકાની સરખામણીમાં ઓછો નોધાયો છે. આના કારણે જીએસટી રેવન્યુમાં ઘટાડો થયો છે. આર્થિક સર્વે મુજબ કામકાજી વય વર્ગની વસતી દર વર્ષે ૯૭ લાખ વધવાનો અંદાજ છે જ્યારે ૨૦૩૦થી કામકાજી વયના લોકોની સંખ્યા દર વર્ષે ૪૨ લાખ વધશે. ગંભીર જળ સંકટને લઇને પણ આમા ઇશારો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ૨૦૫૦ સુધી ભારતમાં પાણીની કટોકટી એક મોટી સમસ્યા બની જશે. સિંચાઈ જળ ઉપર તરત વિચારણા કરવાની જરૂર છે. કૃષિની ઉત્પાદકતાને વધારવાની જરૂર છે. સર્વેમાં લઘુત્તમ મજુરી નક્કી કરવાની રૂપરેખા દર્શાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, સારી અને અસરકારક લઘુત્તમ મજુરી નક્કી કરવાની પ્રક્રિયાને મજબૂત કરવાની જરૂર છે. સર્વેમાં જળવાયુ પરિવર્તનની પણ વાત કરવામાં આવી છે. અનાજ ઉત્પાદન ૨૮.૩૪ કરોડ ટન ૨૦૧૮-૧૯માં રહી શકે છે. દેશમાં વિદેશી હુંડિયામણ ભંડોળ સર્વોચ્ચ સપાટી ઉપર છે.