બેંગલોર : કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ચાણક્ય તરીકે ગણાતા ડીકે શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવ્યાબાદ કર્ણાટકમાં સ્થિતી વિસ્ફોટક દેખાઇ રહી છે. મની લોન્ડરિંગના કેસમાં મોડી રાત્રે શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ કોંગ્રેસના સમર્થકો વ્યાપક હિંસા પર ઉતરી ગયા છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર કર્ણાટકમાં બંધની જાહેરાત કરી દીધી છે. ધરપકડ કરવામાં આવ્યા બાદ શિવકુમારને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
શિવકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકરોએ ભારે તોડફોડ મચાવી હતી. અનેક વાહનોને સળગાવી દીધા હતા. દેખાવકારોએ અનેક બસને નુકસાન કર્યુ હતુ. બીજી બાજુ રામનગરના ડીસીએ તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કુલોમાં તેમજ કોલેજમાં આજે બંધની જાહેરાત કરી હતી. કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી છે. જા કે શિવકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ભારે નારાજ દેખાઇ રહ્યા છે. મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાની ધરપકડના વિરોધમાં દેખાવકારોએ કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોને ટાર્ગેટ બનાવી હતી. હરોહલ્લી ડિપોની એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી. આ બસને આગ ચાંપી દેવામાં આવ્યા બાદ ભારે નુકસાન થયુ છે.
રામનગર ડિવીઝનની પાસે કુલ ૧૦ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સમર્થકોએ સાત વખતના ધારાસભ્ય અને પૂર્વ ઉર્જા પ્રધાન ડીકેની ધરપકડ કરવામાં આવ્યા બાદ નારાજગી વ્યક્ત કરી હતી. સાવચેતીના પગલા રૂપે રામનગરના ડીસીએ તમામ સરકારી અને ખાનગી સ્કુલો તેમજ કોલેજમાં રજાની જાહેરાત કરી દીધી છે. કોઇ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વિવિધ પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ દ્વારા શિવકુમારનુ સમર્થન કરવામાં આવ્યુ છે. હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઇને કર્ણાટક પોલીસે તમામ જગ્યાએ મોરચા સંભાળી લીધા છે. શિવકુમારના સમર્થકો બેંગલોર-મેસુર-રોડ પર દેખાવો કરવા માટે બહાર આવી ગયા છે. એમ માનવામાં આવે છે કે સ્થિતી વણસી શકે છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ રાવે ડીકે શિવકુમારના સમર્થનમાં ઉતરીને તેમની ધરપકડને અયોગ્ય ગણાવીને મોદી સરકારની ટિકા કરી છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને દિનેશ રાવે કહ્યુ છે કે બદનામ કરવા, બ્લેકમેઇલ કરવા તેમજ ધમકાવવાના ઇરાદા સાથે મોદી સરકાર પોતાના વિરોધીઓને ટાર્ગેટ બનાવી રહી છે. અમે ડીકે શિવકુમારની સાથે ઉભા છીએ. અમે પૂર્ણ તાકાતની સાથે ભારતીય જનતા પાર્ટીની હિલટરશાહી સામે લડવા જઇ રહ્યા છીએ.આજે કર્ણાટકમાં દેખાવ જારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
બીજી બાજુ તબિયત ખરાબ થયા બાદ ડીકે શિવકુમારને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને જે રીતે હેરાનગતિ થઇ છે તેના કારણે જ તેમની તબિયત ખરાબ થઇ ગઇ છથે. બીજી બાજુ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ પણ શિવકુમારને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્રિય સંસ્થાઆનો ઉપયોગ વિરોધી નેતાઓને ટાર્ગેટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન ચિદમ્બરમની સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હવે મની લોન્ડરિંગના મામલે શિવકુમાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ચુકી છે. તેમની સામે સકંજા મજબુત કરાયો છે.