અમદાવાદ :શહેરના નારોલ વિસ્તારમાંથી આજે બે ટ્રક ભરીને રાષ્ટ્રીય પક્ષી એવા મોરના પીંછા મળી આવતાં શહેર સહિત રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રભાત સોસાયટીમાંથી આટલી મોટી સંખ્યામાં મોરપીંછ મળતાં ખુદ રાજયનું વનવિભાગ અને પોલીસ સત્તાવાળાઓ દોડતા થઇ ગયા હતા. કારણ કે, મોર એ રાષ્ટ્રીય પક્ષી છે અને તેને મારવું એ ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે છે ત્યારે આટલા બધા મોરપીંછ કયાંથી અને કેવી રાતે આવ્યા અને તે કયાં લઇ જવાના હતા તેમ જ તેનો શેમાં ઉપયોગ કરવાનો હતો તે સહિતના તમામ મુદ્દે હવે પોલીસ અને વનવિભાગે તપાસ શરૂ કરી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજીબાજુ, વનવિભાગ દ્વારા બે ટ્રક ભરીને મળી આવેલા મોરપીંછને લેબોરેટરી પરીક્ષણ અર્થે દહેરાદૂનની લેબમાં મોકલી આપ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડી ખાતે પ્રભાત સોસાયટીમાં બે આઇશર ટ્રકમાં રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછા હોવાની બાતમી પોલીસને મળતાં વનવિભાગ અને પોલીસના અધિકારીઓ ત્યાં ત્રાટકયા હતા. પોલીસ અને વનવિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળેથી બે આઇશર ટ્રક જપ્ત કરી તેમાં તપાસ કરતાં રાષ્ટ્રીય પક્ષી મોરના થોકબંધ પીંછા ટ્રક ભરીને મળી આવ્યા હતા, જે જાઇ ખુદ પોલીસ અને વનવિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તમામ મોરપીંછ ભેગા કરીને નિયત સંખ્યામાં રબરબેન્ડ જેવી વસ્તુથી વીંટાળવામાં આવ્યા હતા.
પોલીસે મોરપીંછનો તમામ જથ્થો જપ્ત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. વનવિભાગના અધિકારીઓએ પણ વન્ય પ્રાણી રક્ષણ અધિનિયમ હેઠળની જાગવાઇ અન્વયે તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને મોરપીંછાની વૈજ્ઞાનિક ઢબે તપાસ અર્થે તેને દહેરાદૂન Âસ્થત લેબોરેટરીમાં પણ મોકલી અપાયા હતા અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ ગંભીર પ્રકારના આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે. ખાસ કરીને મોર એ રાષ્ટ્રીય પક્ષી છે અને તેને મારવું એ ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે છે ત્યારે આટલા બધા મોરપીંછ કયાંથી અને કેવી રાતે આવ્યા અને તે કયાં લઇ જવાના હતા તેમ જ તેનો શેમાં ઉપયોગ કરવાનો હતો તે સહિતના તમામ મુદ્દે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.