ભારતીય સેનાએ ફરીથી પોતાની યોગ્યતાને માન્યતા અપાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગમાં ભારતીય સેનાની શ્રેષ્ઠતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં સેનાના જવાનો લદ્દાખના દુર્ગમ વિસ્તારમાં સિંધુ નદી પર પુલ બનાવતા દેખાઈ રહ્યા છે. વીડિયો ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોનું ટાઈટલ છે- ‘બ્રિજિંગ ચેલેન્જ – ના ટોરેન અને ના કોઈ એલ્ટીટ્યૂડ ઈન્સુરમટેબલ’. એટલે ‘પડકારો પર વિજય, ન કોઈ ભૂપ્રદેશ કે ન તો દુર્ગમ ઊંચાઈ’ પૂર્વી લદ્દાખમાં સપ્ત શક્તિ એન્જિનિયરોએ આ પરાક્રમ કરીને બતાવ્યો છે. વીડિયોમાં સેનાના જવાનો સિંધુ નદીમાં લોખંડના ભારે ભાગો નાખી રહ્યા છે. થોડા જ કલાકોમાં નદી પર એક પુલ નજરે પડે છે. પુલ બન્યા પછી ભારે ટ્રક તેના પરથી પસાર થતો દેખાઈ રહ્યો છે.
સિંધુ નદી પર બનાવવામાં આવેલો આ પુલ આપમેળે જ ખુલે છે. પછી એક-એક કરીને બધા જ ભાગો જોડાઈ જાય છે અને થોડા જ ક્ષણોમાં પુલ તૈયાર થઈ જાય છે. લદ્દાખ સેક્ટરમાં ભારતીય સેના દ્વારા સિંધુ નદી પર બનાવવામાં આવેલા પુલથી ભારતીય સેનાના જવાનોને ઘણો ફાયદો થશે. સૈન્ય તંત્રનો પુરવઠો પણ વધશે. નોંધનાય છે કે, ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે લદ્દાખ સેક્ટરના બે દિવસીય પ્રવાસ પર હતા. તેમણે ભારતીય વાયુસેનાના અપાચે એટેક હોલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. સોમવારે સેના પ્રમુખ જમરલ મનોજ પાંડેએ ૨૦૨૦માં પૂર્વી લદ્દાખના ઘટનાક્રમના જવાબમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
જનરલ પાંડેએ કહ્યુ હતું કે, ‘ભારતીય વાયુસેનાના અભૂતપૂર્વ યોગદાન અને એરલિફ્ટ’ વિના પૂર્વી લદ્દાખમાં સેનાની ટુકડીઓને સમયસર પહોંચાડવી અસંભવ હતી. લદ્દાખના તેમના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યા પછી દિલ્હી આવેલા જનરલ પાંડેએ સોમવારે માણેકશા સેન્ટરમાં પ્રથમ ભારતીય સેના લોજિસ્ટિક્સ સંમેલનના સંબોધનમાં આ વાત કહી હતી. તેમણે બે વર્ષ પહેલા પૂર્વી લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા સરહદ અવરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો.