જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. છેલ્લા બે દિવસ દરમિયાન અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ ૬ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે, ગુલમર્ગના પહાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આતંકીઓ સક્રિય છે.

તેમણે કહ્યું, “અમે સતત તેમના પર નજર રાખીએ છીએ.” વિજય કુમારના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ પાકિસ્તાની આતંકવાદીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. કુમારે કહ્યું કે આગામી દિવસોમાં પાકિસ્તાની આતંકવાદીઓને ખતમ કરવાના પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે.જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા ભારતના વીર જવાનો સતત ખડેપગે રહે છે.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ લશ્કરના ૩ આતંકીઓને ઠાર માર્યા હોવા અહેવાલો સામે આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા કલાકોથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું છે કે, હાલમાં આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોને ખાસ માહિતી મળી હતી. જેના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. એન્કાઉન્ટર વિશે માહિતી આપતા વિજય કુમારે કહ્યું કે, ‘તમામ ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ તમામ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

હાલમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ તમામ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે.

Share This Article