પ્રિયંકા, આલિયા જેવા બોલિવૂડના એક્ટર્સ હોલિવૂડમાં પગ જમાવવા મથી રહ્યા છે ત્યારે અરિજિત સિંહે લોકપ્રિયતામાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટને પાછળ રાખી દીધા છે. સ્પોટિફાય પર સૌથી વધુ ફોલો થનારા ટોપ ૩ આર્ટિસ્ટમાં અરિજિતે સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં અરિજિતે ટેલર સ્વિફ્ટ , બિલિ એલિશ અને એમિનેમ જેવા આર્ટિસ્ટને પાછળ રાખી દીધાં છે. આ લિસ્ટમાં અરિજિત કરતાં આગળ માત્ર એડ શીરન અને એરિયાના ગ્રેન્ડ જ છે. સ્પોટિફાય લિસ્ટમાં હંમેશા ટોપ કરનારા ડ્રેક, ધ વીકેન્ડ, રિહાન્ના, એડેલે સહિત અનેકને અરિજિતે પાછળ રાખ્યા છે. પાછલા આઠ મહિનામાં અરિજિતના અનેક ગીતો લોકપ્રિય થતાં તેના ફોલોઅર્સની સંખ્યા વધી છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનમાં અરિજિતે ગાયેલું ગીત ચલેયા ધમ મચાવી રહ્યું છે.
અગાઉ અરિજિતે જસલીન રોયલ સાથે રજૂ કરેલું સિંગલ હીરિયે પણ લોકપ્રિય રહ્યું છે. આ મ્યૂઝિક વીડિયોમાં જસલીન અને મલયાલમ સ્ટાર દુલકર સલમાન જોવા મળ્યા હતા. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ અરિજિતે ગીતો ગાયા હતા. તુમ ક્યા મિલે, વોટ ઝુમકા અને વે કામાલેયા જેવા ગીતોએ અરિજિતની લોકપ્રિયતા રાતોરાત વધારી દીધી છે. જાન્હવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ બવાલમાં તુમ્હે કિતના પ્યાર કરતે હૈં, રણબીર કપૂરની તુ જૂઠી મૈં મક્કારમાં તેરે પ્યાર મેં, વિકી કૌશલની ફિલ્મ ઝરા હટ કેમાં ફિર ઔર ક્યા ચાહિયે અને ગદર ૨માં ખૈરિયત જેવા અરિજિતના ટ્રેક દરેક જગ્યાએ સાંભળવા મળે છે. અરિજિતનો આ જાદુ દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોને અસર કરી ગયો છે અને તેનું પરિણામ સ્પોટિફાયના લિસ્ટમાં જોવા મળે છે.