હાર્દિકના ઉપવાસ આંદોલન માત્ર રાજકીય સ્ટંટ તરીકે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના આગામી તા.૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ઉપવાસ આંદોલનનો હવે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું છે કે, હાર્દિકના ઉપવાસ આંદોલન માત્રને માત્ર રાજકીય સ્ટંટ છે. દવેએ હુંકાર કર્યો હતો કે, પાટીદારોની જેમ અન્ય સવર્ણ સમાજને ગેરમાર્ગે દોરવાનો હાર્દિક પટેલનો વ્યૂહ અમે સફળ નહી થવા દઇએ.

સમસ્ત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેએ સ્પષ્ટ કર્યું હતું કે, હાર્દિકે ૧૭ જુલાઈના રોજ ફેસબુક લાઈવ દ્વારા એવી જાહેરાત કરી હતી કે, તેના ૨૫ ઓગસ્ટથી શરુ થનારા ઉપવાસને દરેક બિન-અનામત જ્ઞાતિનો ટેકો અને સહકાર છે. જોકે, આ મામલે હાર્દિકે બ્રહ્મસમાજને કંઈ પૂછ્યું જ નથી.

હાર્દિક પર અગાઉ પણ પ્રસિદ્ધિ હાંસલ કરવા માટે તેમજ પોતાના રાજકીય રોટલા શેકવા પટેલ તેમજ બીજા બિનઅનામત વર્ગના સમાજને ગેરમાર્ગે દોરી વર્ગવિગ્રહ કરાવવાનો આરોપ પણ યજ્ઞેશ દવેએ મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, હાર્દિક કોઈ સમાજસેવા નહીં, પણ સમાજના નામે પોતાનું રાજકારણ કરવા નીકળ્યો છે, અને સવર્ણ જ્ઞાતિઓનો ઉપયોગ કરી પોતાનું રાજકીય પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યો છે. પરંતુ બ્રહ્મ સમાજ કોઇપણ યુવાનોને આ વાતનો ભોગ બનવા દેશે નહી. બ્રહ્મસમાજ એ વિશ્વ બંધુત્વ અને વિશ્વ કલ્યાણની ભાવનાવાળો સમાજ છે તેમ જ વસુદેવ કુટુંબકમ્ને માનવાવાળો અને ઉદાર સમાજ છે. આજે પણ જે કોઇપણ લોકો સવર્ણ સમાજના નામે બિનઅનામત વિષય પર જે રાજકારણ કરીને પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે તે હવે સમજી જાઓ અને સુધરી જાઓ નહીતર, કયારેય ગુજરાતની જનતા આપને સ્વીકારશે નહી અને કયારેય માફ કરશે નહી તે સ્પષ્ટ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં નહી જાડાવા અને તેનાથી ગેરમાર્ગે નહી દોરવાવા બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ સમગ્ર બ્રહ્મ સમાજને જાહેર અનુરોધ કર્યો છે.

Share This Article