અમદાવાદ: ગુજરાત લોકાયુકતની ઓફિશીયલ વેબસાઇટ ગુજરાતી ભાષામાં બનાવવા અને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત આ કચેરીની તમામ માહિતી જાહેરહિતમાં પ્રસિધ્ધ કરાવવા દાદ માંગતી એક મહત્વની જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી પીઆઇએલમાં હાઇકોર્ટે રાજય સરકાર, લોકાયુકતના રજિસ્ટ્રાર અને માહિતી આયોગના સેક્રેટરી વિરૂધ્ધ કારણદર્શક નોટિસ જાર કરી છે અને કેસની વધુ સુનાવણી તા.૨૬મી સપ્ટેમ્બર પર મુકરર કરી છે.
અરજદાર ચંદ્રવદન ધ્રુવ દ્વારા પાર્ટી ઇન પર્સનની રૂએ હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત રાજયમાં ગુજરાત લોકાયુકત એક્ટ ૧૯૮૬ની જોગવાઈ મુજબ રાજયમાં ગુજરાત લોકાયુકતની રચના કરવામાં આવી છે. માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ -૨( એચ) હેઠળ આ કચેરી પલ્લીક ઓથોરીટી છે. અધિનિયમની કલમ-(૪)(૧) (ખ)માં થયેલ જોગવાઈ મુજબ ૧૨૦ દિવસની અંદર પ્રો-એકટીવ ડિક્લોઝર તથા અન્ય જરૂરી માહિતી તૈયાર કરવી અને વેબસાઈટના માધ્યમથી ડિઝીટલ ફોર્મેટમાં મુકી તેની બહોળો પ્રચાર અને પ્રસાર કરવાની જવાબદારી દરેક જાહેર સત્તા મંડળની રહેલી છે.
માહિતી અધિકારના કાયદાને ૧૨ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે તેમ છતાં ગુજરાત લોકાયુક્તની ઓફિશીયલી વેબસાઈટ બનાવવામાં આવેલ નથી જે ખૂબજ ગંભીર બાબત અને માહિતી અધિકાર અધિનિયમના ભંગ સમાન ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાયુક્ત એક્ટમાં થયેલ જોગવાઈ મુજબ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા મુખ્યમંત્રી, મંત્રીઓ તથા રાજયમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર કે કાયદાના ઉલ્લંઘન બદલ યોગ્ય કાર્યવાહીની કામગીરી રાજયના લોકાયુકત કરી શકે છે.
આવી ખૂબજ મહત્વની કચેરીમાં જ માહિતી અધિકારના કાયદાનું ઉલ્લંઘન થતુ હોય તો તે ખૂબજ શરમજનક અને તપાસ યોગ્ય બાબત ગણાય. આ સમગ્ર મામલે અરજદારે તા. ૨૬-૦૨-૨૦૧૮ થી ગુજરાત લોકાયુકતને, પ્રીન્સીપાલ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ, રાજયપાલના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, વિરોધપક્ષના નેતા તથા મુખ્ય માહિતી કમિશ્નરને લેખિત રજૂઆત કરાઇ હતી પરંતુ તેમછતાં આ અંગે કોઇ પગલાં લેવાયા નથી. હતી.
ગુજરાત માહિતી આયોગ ક્ચેરી દ્વારા પ્રો-એકટીવ ડિસ્કલોઝર તૈયાર નહી કરવા બાબતે અરજદારે કરેલી ફરિયાદ સંદર્ભે મુખ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ દ્વારા તા.ર૧-૦૫-૨૦૧૮ થી ગુજરાત લોકાયુકત કચેરી વિરુદ્ધ હુકમ કર્યો છે. આ તમામ બાબતોને ગંભીરતાથી ધ્યાને નહી લેવામાં આવતા આ પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તા. ૧૫-૦૨-૧૯૬૧ થી ધી ગુજરાત ઓફિશીયલ લેન્ગવેજ એકટ-૧૯૬૦ ઘડવામાં આવી છે. આમ ગુજરાત રાજયની પ્રાદેશિક ભાષા ગુજરાતી હોઇ ગુજરાત લોકાયુકતની વેબસાઈટ ગુજરાતી ભાષામાં બનાવવામાં આવે તેવી પીઆઇએલમાં દાદ માંગવામાં આવી હતી.