વોશિંગ્ટન : માઇક્રોસોફ્ટ આશરે આઠ વર્ષ બાદ એપલને પછડાટ આપીને થોડાક સમય માટે અમેરિકાની સૌતી વધુ માર્કેટ મૂડી ધરાવતી કંપની બની ગઈ છે. અમેરિકી શેરબજારમાં એક વખતે માઇક્રોસોફ્ટની મૂડી ૭૫૩.૩ અબજ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે એપલ વર્ષ ૨૦૧૦ બાદથી પ્રથમ વખત બીજા સ્થાને આવી ગઈ હતી. એપલની માર્કેટ મૂડી શુક્રવારના દિવસે ઘટીને ૭૪૬.૮ અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. અલબત્ત એપલે ત્યારબાદ ફરી એકવાર પોતાની સ્થિતિને મજબૂત કરીને પ્રથમ સ્થાન મેળવી લીધું હતું.
અમેરિકી શેરબજાર નાસ્ડેકની વેબસાઇટ મુજબ શુક્રવારના દિવસે કારોબાર પૂર્ણ થાય ત્યાં સુધી એપલની માર્કેટ મૂડી ૮૧૭.૧૭ અબજ ડોલર હતી. માઇક્રોસોફ્ટે લીડ લઇ લીધી હતી. એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ ૧૦૦૦ અબજ ડોલરવાળી કંપની બની હતી પરંતુ આ સ્થિતિને જાળવવામાં તેને સફળતા મળી ન હતી. આઈફોનનું અપેક્ષા કરતા ઓછુ વેચાણ થતાં તેની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે, કંપનીના ટોચના લોકો ખર્ચ અને સંખ્યાબળમાં ઘટાડો કરવા વિચારી રહ્યા છે. એમેઝોન ૭૩૬.૬ અબજ ડોલરની સાથે ત્રીજા નંબરે અને ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ૭૨૫.૫ અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે.
ક્લાઉડ ગેમિંગ અને સરફેશ લેપટોપ પોર્ટફોલિયોના કારોબારમાં વધારાના પરિણામે માઇક્રોસોફ્ટે નાણાંકીય વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૯.૧ અબજ ડોલરની આવક થઇ હતી અને ૮.૮ અબજ ડોલરન ફાયદો થયો હતો. આ ગાળા દરમિયાન કંપનીને તમામ કેટેગરીમાં રાહત થઇ હતી. કંપનીના મુખ્ય કારોબારી અધિકારી સત્ય નાડેલાનું કહેવું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯ની શાનદાર શરૂઆત થઇ છે જે અમારા ગ્રાહકોના વિશ્વાસનું પરિણામ છે.