જમ્મુના કઠુઆમાં આઠ વર્ષીય બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર તેમજ ઉત્તરપ્રદેશના ઉનાવમાં ૧૭ વર્ષીય યુવતી સાથે ભાજપના નેતાના બળાત્કારની ઘટના પછી આખો દેશમાં આરોપીઓ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. નવી દિલ્હી, લખનઉ અને મુંબઇ સહિતના અનેક શહેરોમાં આસિફાને ઝડપી ન્યાય મળે એ માટે હજારો લોકો સમર્થનમાં ઉતર્યા હતા. આ કેસના કારણે વિદેશોમાં પણ ભારતની છબી ખરડાઇ છે.
નવી દિલ્હીમાં સિવિલ સોસાયટી સહિતના અનેક લોકો જંતરમંતર પર આસિફાના ન્યાય માટે રસ્તા પર ઉતર્યા હતા, જેમાં પુરુષો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્સ સહિત ટ્રાન્સજેન્ડરો પણ જોડાયા હતા. સંસદ સ્ટ્રીટમાં પણ લોકોએ ‘નોટ ઇન માય નેમ’ નામે એક માર્ચ યોજી હતી, જેમાં મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
મુંબઈમાં પણ હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજીને સ્ત્રીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મુદ્દે મજબૂત રીતે લોક અવાજ ઉઠાવવાની માગ કરી હતી. આ દરમિયાન ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરની વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સેંગરના ભાઇએ પીડિતાના પિતાને ઢોર માર માર્યો એ મુદ્દે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને યોગી સરકારની બરતરફીની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા તેમજ દલિત, આદિવાસી અત્યાચારની વિરુદ્ધમાં લોકોએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી.