પટણા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની પ્રતિક્રિયા પણ આવી છે. નીતિશે કહ્યું છે કે, આ મામલામાં તેઓ કોઇ પ્રતિક્રિયા આપશે નહીં. નીતિશે સીધીરીતે કોઇ વાત કરી નથી પરંતુ ઇશારાઓમાં મમતા બેનર્જીના પગલા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ચીટ ફંડ કૌભાંડના સંબંધમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસ ઉપર સીબીઆઈની ટીમ પહોંચ્યા બાદ આ વિવાદની શરૂઆત થઇ હતી.
નીતિશકુમારે કહ્યું હતું કે, આ મામલામાં એવા જ લોકો માહિતી આપી શકે છે જે કાર્યવાહી સાથે જાડાયેલા છે. તેઓ પ્રતિક્રિયા આપશે નહીં. પ્રશ્નોના જવાબ સીબીઆઈ અને સરકાર આપશે. ચૂંટણી પંચ જ્યાં સુધી તારીખોની જાહેરાત કરશે નહીં ત્યાં સુધી દેશમાં કોઇપણ ઘટનાઓ બની શકે છે. શારદા ચીટ ફંડ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ ગઇકાલે કોલકાતામાં પહોંચી ત્યારથી વિવાદની શરૂઆત થઇ હતી. મોદી અને ભાજપ ઉપર શાસન ઉથલાવી દેવાનો આક્ષેપ મમતા દ્વારા કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે થયેલા ઘટનાક્રમ બાદથી મમતા બેનર્જી ધરણા પર છે.
રાહુલ ગાંધી, ઉંમર અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ મમતા બેનર્જીથી ફોન પર વાત કરી ચુક્યા છે. આ લોકો મમતાને સમર્થન આપી ચુક્યા છે. શિવસેના અને રાજ ઠાકરેએ પણ આ મામલામાં પોતાની પ્રક્રિયા આપી છે. ઠાકરેએ કહ્યું છે કે, અમે મમતા બેનર્જી દ્વારા લેવામાં આવેલા પગલાને ટેકો આપીએ છીએ અને તેમની સાથે ઉભા છીએ. અત્યાચાર સામેની લડાઈમાં અમે તેમની સાથે છે.