દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીમાં ફ્રીની રેવડીનો મુદ્દો ચર્ચામાં છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જનતાને ફ્રી વસ્તુ આપવાનો વાયદો કરે છે. પરંતુ તેની ખરાબ અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે, તેવો પણ એક મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ફ્રીની જાહેરાતોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે. પરંતુ હવે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી પણ આમને-સામને આવી ગયા છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબની જીત બાદ અમરિંદ કેજરીવાલની નજર ગુજરાત પર છે. તે વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે અને ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ૩૦૦ યુનિય ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. તો બેરોજગારોને દર મહિને ૩૦૦૦ રૂપિયા અને મહિલાઓને ૧૦૦૦ રૂપિયા ફ્રી આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં એથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, રાજનીતિમાં સ્વાર્થ હશે તો ગમે તે આવીને પેટ્રોલ-ડીઝલ ફ્રી આપવાની જાહેરાત કરી શકે છે. દેશમાં આવા પગલા આપણા બાળકોનો હક છીનવી લેશે. પીએમ મોદીએ કહ્યું કે, આ પગલા દેશને આર્ત્મનિભર બનાવતા રોકશે. આ સાથે તેમણે કહ્યું કે, આ સ્વાર્થભરી નીતિથી દેશના ઈમાનદાર ટેક્સદાતા પર ભારણ વધશે. ફ્રી સુવિધા મુદ્દે પીએમ મોદીના નિવેદન બાદ કેજરીવાલે પલટવાર કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, દેશના ટેક્સપેયરના પૈસાથી પોતાના કેટલાક મિત્રોના બેન્કની લોન માફ કરવામાં આવે છે. તેનાથી આ ટેક્સપેયરને નુકસાન થાય છે. પરંતુ આ ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી. કેજરીવાલે કહ્યું કે ખાવા પીવાની વસ્તુ પર જીએસટી લગાવવાથી ટેક્સપેયરને છેતરપિંડીનો અનુભવ થાય છે. ટેક્સના પૈસા લોકો માટે વાપરવામાં આવે તો ટેક્સપેયર સાથે છેતરપિંડી થતી નથી. પરંતુ પોતાના મિત્રોના કરોડો રૂપિયાની લોન માફ કરવાથી દેશના કરદાતાને નુકસાન થાય છે. કેજરીવાલે કહ્યુ કે, આ મુદ્દે દેશમાં જનમત સંગ્રહ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે, સરકારી પૈસા માત્ર એક પરિવાર માટે વાપરવામાં આવે કે ટેક્સના પૈસા લોકોને સારી ફ્રી સુવિધા માટે વાપરવા જોઈએ, આ માટે એક જનમત સંગ્રહ કરાવવાની જરૂર છે.