અમદાવાદ : લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં વધુ એક વખત ભુકંપ સર્જાયો છે. કોંગ્રેસમાં એક પછી એક ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે અને ભાજપમાં જાડાઇ રહ્યા છે, જેને લઇ કોંગ્રેસના કાંગરા કરતાં પક્ષના ્સ્થાનિક નેતાઓથી લઇ હાઇકમાન્ડ સુધીના નેતાઓ ચિંતાતુર બન્યા છે. છેલ્લા પંદર દિવસમાં કોંગ્રેસના આ ૪થા ધારાસભ્યનું રાજીનામુ પડયું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપી વલ્લભ ધારવીયા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ધારવીયાએ કોંગ્રેસમાં પ્રદેશ સ્તરે ભારે ખેંચતાણ અને કાપાકાપી ચાલી રહી હોવા સહિતના ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
ભાજપમાં જોડાયા બાદ વલ્લભભાઈએ જણાવ્યું કે, મને સત્તાની લાલચ નથી અને આગામી ચૂંટણી લડવાનો નથી. તેમણે કહ્યું, ભાજપની સંગઠન શક્તિ છે તે કાંગ્રેસમાં જોવા મળતી નથી. કાંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. મેં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના હાથ નીચે પણ કામ કર્યું હતું. કોંગ્રેસમાં ગયા બાદ જ મને ખબર પડી કે પાર્ટીમાં કંઈ નથી. મારો જન્મ જ ભાજપમાં થયો એમ કહેવાય. એટલે હું ઘરે પરત ફર્યો છું. મારું ગોત્ર ભાજપ જ છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ આજે બપોરે રાજીનામું આપી દેતા જામનગરના સ્થાનિક રાજકારણમાં વધુ એક વખત રકાસ આવ્યો છે.
જામનગર બેઠક પરથી હાર્દિક પટેલે લડવાની તૈયારીને લઈને ચૂંટણી પૂર્વે ભાજપાએ માસ્ટર સ્ટ્રોક મારી જીલ્લાના સથવારા સમાજના મત અંકે કર્યા હોવાના સમીકરણો રચાયા છે. ગુજરાતમાં ૧૯૬૧ પછી આવતીકાલે ૧૨ માર્ચે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની મળનારી બેઠક પૂર્વે કોંગ્રેસને પડેલા આ વધુ એક ઝટકાથી આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બની રહ્યો છે. જામનગરમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ દ્વારા વધુ એક ધારાસભ્યની જોડાવવાની જાહેરાતને લઇને રાજકીય ગરમાવો જિલ્લાના રાજકારણમાં આવી ગયો છે. ભાજપ દ્વારા કોંગ્રેસ મુકત જિલ્લા બનાવવા અભિયાન હાથ ધર્યું હોય તેમ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાએ આજે બપોરે રાજીનામું આપી દીધું છે. મૂળ ભાજપના નેતા અને બે વર્ષ પૂર્વે જ કોંગ્રેસમાં જોડાઈને ગત વિધાનસભામાં ભાજપના કદાવર નેતા રાઘવજી પટેલને હરાવ્યા હતા. બે વર્ષ ભાજપમાં રહ્યા બાદ લોકસભા પૂર્વે ભાજપમાં ભળી ગયા છે.
ભાજપાએ વર્તમાન સાંસદ પૂનમ માડમને રીપીટ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. પાટીદાર મતદારોના પ્રભાવિત આ બેઠકમાં હાર્દિક પટેલના નામની મહોર લાગી જતા ભાજપાએ જામજોધપુરના પાટીદાર ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને મહતમ મતદાર ધરાવતા સથવારા સમાજના મતો અંકે કરી હાર્દિક પટેલને હરાવવાનો પ્લાન કર્યો હોવાનો ભાજપનો વ્યૂહ છે. કેમ કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સથવારા સમાજના આશરે એકાદ લાખ મતો માટે ભાજપાએ ખેલ પાડી દીધો છે. બીજી તરફ ધારવિયાને ભાજપા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે પાણી પુરવઠા બોર્ડ નિગમના ચેરમેન બનાવવાની ઓફર કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસમાંથી આશાબહેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને હવે વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપી દેતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે. આ સમગ્ર મામલે બોલતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સામ, દામ, દંડનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષમાં લઈ જઈ રહ્યો છે. તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, વલ્લભભાઈએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તેમણે કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપ્યું નથી. તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે, જેથી હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી.