અમદાવાદ: ગુજરાતનાં રાજકોટમાં આવેલી પાયલ હોસ્પિટલના સીસીટીવી વાઈરલ કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ એક આરોપીની દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી પહેલાં નેટફ્લિક્સ અને હોટસ્ટારના કોન્ટેન્ટનું વેચાણ કરતો હતો. બાદમાં ટેલિગ્રામ મારફતે સીસીટીવી વીડિયો વેચવાના કૌભાંડમાં સામેલ થયો હતો. હાલ, આ મામલે સાત આરોપી ઝડપાઈ ચુક્યાં છે અને પોલીસ આ મામલે સંડોવાયેલા વધુ લોકોની તપાસ કરી રહ્યાં છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રોહિત સિસોદિયા સહિત સાત ઓરોપીની ધરપકડ કરી છે. પોલીસે દિલ્હીથી રોહિતની ધરપકડ કરી છે. આરોપીએ ડિપ્લોમા મેડિકલ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે. તે અગાઉ પકડાયેલાં આરોપી રાયન રોબીન પરેરા અને પરીત ધામેલિયાના સંપર્કમાં હતો. આ બંને રોબિન પરેરા અને પરીત ધામેલિયા સીસીટીવી હેક કરવાનું કામ કરતાં અને રોહિત આ તેમના દ્વારા આપવામાં આવેલી ફૂટેજને ક્યુ આર કોડમાં કન્વર્ટ કરીને વિવિધ ટેલિગ્રામ ચેનલમાં વેચતો હતો.
આ કેસમાં હાલ પોલીસે સીસીટીવી હેક કરવાથી લઈને ફૂટેજ વેચનાર સુધીની કડી પકડીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. જોકે, આ મામલે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેનાથી કોઈપણ આરોપી પોલીસના સકંજામાંથી બચી ન શકે.