રાલેગણસિદ્ધિઃ સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હજારેએ કહ્યું હતું કે કેન્દ્રમાં લોકપાલની નિમણૂંકમાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની સામે બીજી ઓકટોબરથી તેઓ ભુખ હડતાલ શરૂ કરશે. અણ્ણાએ ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે તેમની ઝુંબેશમાં તેમની સાથે જાડાવવા લોકોને અપીલ કરી હતી. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પોતાના વતન રાલેગણસિદ્ધિ ગામમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસથી ભૂખ હડતાલ કરવાની અણ્ણાએ જાહેરાત કરી હતી.
તેમણે એનડીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે આ સરકારે અગાઉ ખાતરી આપી હતી કે તે લોકપાલની નિમણૂંક કરશે અને સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા લોકપાલ બિલને અમલી બનાવશે. જાન્યુઆરી ૨૦૧૪માં તત્કાલિન રાષ્ટ્રપતિ દ્વારા તેના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અણ્ણા હજારેએ કહ્યું હતું કે આ સરકારમાં ઈચ્છા શક્તિના અભાવમાં ભ્રષ્ટાચારની ગતિવિધિ સંપૂર્ણપણે રોકાઈ શકી નથી. લોકપાલની નિમણૂંકમાં વિલંબ ચિંતાજનક બાબત છે. લોકપાલ ચળવળના ચહેરા તરીકે રહી ચૂકેલા અણ્ણા હજારેએ ૨૦૧૧માં ૧૨ દિવસ સુધી ભૂખ હડતાળ કરીને તત્કાલીન સરકારને હચમચાવી મુકી હતી. ત્યારબાદ તેઓએ દેશભરમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. જેના લીધે યુપીએ સરકારે તે વખતે લોકપાલ બિલ પસાર કર્યું હતું. સુપ્રિમ કોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં જ લોકપાલ માટે સર્ચ કમિટીના સભ્યોની નિમણૂંક અંગે કેન્દ્ર સરકારના જવાબને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે લોકપાલ પસંદગી કમિટીનું નેતૃત્વ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કમિટી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને લઈને નામની પેનલની ભલામણ માટે તૈયાર કરી રહી છે. સરકારે કહ્યું હતું કે આ સર્ચ પેનલ દ્વારા તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભારતના ચીફ જસ્ટીસ, લોકસભાના અધ્યક્ષ, સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા અને એક જાણીતા ન્યાયશાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટે ગયા વર્ષના ચુકાદામાં કહ્યું હતું કે સૂચિત સુધારા સુધી લોકપાલ એક્ટને અમલી નહીં કરવાની બાબત યોગ્ય ગણી શકાય નહીં. અણ્ણા હજારને આંદોલનને લઈને વિતેલા વર્ષોમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જેના ભાગરૂપે આ વખતે પણ અણ્ણા ઓક્ટોબરમાં ચોક્કસપણે ચર્ચા જગાવે તેમ માનવામાં આવે છે. લોકપાલ માટે અણ્ણાએ ભૂખ હડતાળની જાહેરાત કરીને મોટી સમસ્યા સર્જવાનો સંકેત આપી દીધો છે.