અનંતનાગમાં પોલીસ પિકેટ પર હુમલો કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક પોલીસ પિકેટ પર ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક ત્રાસવાદી ઠાર થયો છે. શુક્રવારે મોડી રાત્રે અંધારાનો લાભ લઇને ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. અનંતનાગના અચ્છાબલ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એકનુ મોત થયુ હતુ. ઘટના બન્યા બાદ સમગ્ર રાત્રી ગાળા દરમિયાન સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા હતા. તેની સાથે રહેલા અન્ય ત્રાસવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ઠાર કરાયેલા ત્રાસવાદીની ઓળખ કરી લેવામાં આવી છે. તે ત્રણ મહિના પહેલા જ લશ્કરે તોયબામાં સામેલ થયો હતો. તે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ખીણમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં સામેલ રહ્યો હતો. હથિયારોની લુટની ઘટનાઓમાં પણ તે સામેલ રહ્યોહતો. શુક્રવારે મોડી રાત્રે થયેલી અથડામણમાં એક પોલીસ જવાનને પણ ઇજા થઇ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચુક્યા છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી બે ગાડીઓ જપ્ત કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં ઉંડી તપાસ ચાલી રહી છે. જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે સેંકડો ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવી ચુક્યા છે. ત્રાસવાદી લીડરો પણ ફુંકાઇ ચુક્યા છે. સેનાના આ ઓપરેશનના કારણે ત્રાસવાદીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Share This Article