અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ 16 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલાં રિસર્ચ ડિસેમિનેશન વર્કશોપ દરમિયાન ICSSRના આર્થિક સહયોગથી ગુજરાતના ગ્રામીણ અને શહેરી યુવાનો પર ડિજિટલ ઈન્ડિયા પહેલની અસરો અંગે હાથ ધરાયેલાં સંશોધનના મહત્વના તારણોનું અનાવરણ કર્યું હતું. અનંત નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો.સુભલક્ષ્મી મહાપાત્રા, અનંત નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો.દિતિ પુન્ડરિક વ્યાસ અને આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર ડો.સુભદીપ રોયની આગેવાની હેઠળના આ અભ્યાસમાં શહેરી અને ગ્રામીણ વસતીમાં ડિજિટલ વપરાશની પેટર્નમાં રહેલા તફાવતોની તપાસ કરવામાં આવી હતી તથા ડિજિટલ વિભાજનને દૂર કરવા માટેની વ્યૂહરચનાઓ અને નીતિગત ફેરફારો સૂચવવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં પ્રતિષ્ઠિત નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોન્ટમ હબના સ્થાપક ભાગીદાર તથા યંગ લીડર્સ ફોર એક્ટિવ સિટીઝનશિપ (વાયએલએસી) અને ધ ક્વોન્ટમ હબ કન્સલ્ટિંગના સહ-સ્થાપકનો શ્રી રોહિત કુમાર, પ્રો.રજત શર્મા, આઈ.આઈ.એમ. અમદાવાદના એસોસિએટ પ્રોફેસર, પીએચસી મજેવડીના મેડિકલ ઓફિસર ડો.દિગ્નેશ વાછાણી અને પે-10ના સીઈઓ ડો.અતુલ મહેતા સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો. પ્રોફેસર સુભદીપ રોય દ્વારા સંચાલિત, પેનલે સંશોધનની મુખ્ય બાબતો અને નોંધપાત્ર તારણો રજૂ કર્યાં હતાં.
મિક્સ મેથડોલોજિ અભિગમની મદદથી ધરવામાં આવેલા આ સંશોધનમાં ગાંધીનગર અને કચ્છના 450 ઉત્તરદાતાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં વિષયોના વિશ્લેષણ દ્વારા આંકડાકીય પરીક્ષણો અને ગુણાત્મક પરિપ્રેક્ષ્ય દ્વારા માત્રાત્મક તારણો આપવામાં આવ્યાં હતાં. આ તારણો દર્શાવે છે કે, યુપીઆઈ અને ગૂગલ પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સે નાણાકીય સર્વસમાવેશકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેમાં શહેરી યુવાનો તેમના ગ્રામીણ સમકક્ષોની તુલનામાં વધુ સક્રિય રીતે ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે. પુરુષો મુખ્યત્વે ડિજિટલ નાણાકીય સેવાઓનો ઉપયોગ કરે છે, જ્યારે મહિલાઓ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, ઉદ્યોગસાહસિકતા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરે છે, ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા તેમના વ્યવસાયોનું વિસ્તરણ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ યુવાનોનો આત્મવિશ્વાસ વધારવામાં, અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવામાં અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વર્કશોપમાં પોતાના સંબોધનમાં શ્રી રોહિત કુમારે જણાવ્યું હતું કે, “આ સંશોધન એ બાબત ઉજાગર કરે છે કે, માળખાકીય સુવિધાઓ, સાક્ષરતા અને સામાજિક અવરોધો જેવી બાબતોનો યોગ્ય ઉકેલ લાવવાથી ડિજિટલ એક્સેસ એજન્સી, તક અને નાગરિક ભાગીદારીની ક્ષમતાનો રચનાત્મક ઉપયોગ કરી શકે છે. કાર્યક્રમમાં પ્રોફેસર રજત શર્માએ જણાવ્યું હતું કે, “ડિજિટલ ઇન્ડિયાએ સુલભ ઉપલબ્ધતા અને સશક્ત વપરાશથી આગળ વધીને સરકાર, ઉદ્યોગ અને નાગરિકો વચ્ચેના આદાનપ્રદાનમાં પરિવર્તન આણ્યું છે.”
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગ્રામીણ મહિલાઓ ડિજિટલ સાક્ષરતા દ્વારા નિર્ણય લેવાની નવી શક્તિનો અનુભવ કરી રહી હોવા છતાં સામાજિક અવરોધો અને મર્યાદિત જાગૃતિને કારણે ડિજિટલ સેવાઓ સુધી પહોંચવામાં વધુ નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહી છે. ડો.દિગ્નેશ વાછાણીએ જણાવ્યું હતું કે, “ટેલિકન્સલ્ટેશન, એબીએચએ અને ઇ-હોસ્પિટલ જેવી હેલ્થકેર એપ્લિકેશન્સ સેવાઓમાં સુધારો કરી રહી છે. તેમ છતાં, તેમની અસરને મહત્તમ બનાવવા માટે મજબૂત ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સંકલિત ડિજિટલ સિસ્ટમ્સની જરૂર છે.”
આ મુદ્દે પોતાના વિચારો જણાવતાં ડો.અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, ” લોકોમાં ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિ અંગે શરૂઆતમાં જે આશંકાઓ હતી તે હવે નથી રહી. આજે, તમામ હિસ્સેદારો દ્વારા તેનો સારી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેને અપનાવવામાં આવી છે. તે જીવનશૈલીનો એક ભાગ બની ગયું.” પેનલ ચર્ચાનો સારાંશ આપતાં પ્રોફેસર સુભદીપ રોયે જણાવ્યું હતું કે, ” ડિજિટલ ઈન્ડિયાએ ડિજિટલ સાક્ષરતામાં હેલ્થકેર અને નાણાકીય સમાવેશકતામાં ડિજિટલ સર્વસમાવેશકતા અને વર્તણૂક આધારિત પરિવર્તનને સફળતાપૂર્વક આગળ ધપાવ્યું છે. તે સામાજિક પરિવર્તન લાવવામાં પણ સક્ષમ છે અને બહુવિધ હિસ્સેદારોને સશક્ત બનાવવામાં મદદ કરે છે.”
આ અભ્યાસમાં યુવાનોમાં ડિજિટલ યોગ્યતા વધારવા માટે નીતિગત હસ્તક્ષેપની ભલામણ કરવામાં આવી છે, જેમાં ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોનું વિસ્તરણ, શિક્ષણમાં ડિજિટલ કૌશલ્ય તાલીમને સંકલિત કરવા અને લિંગ-કેન્દ્રિત જાગૃતિ અભિયાનોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. સર્વસમાવેશક ટેકનોલોજીકલ પ્રગતિને વેગ આપવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ માટે જાહેર-ખાનગી ભાગીદારીને મજબૂત કરવી, ડિજિટલ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવી અને માઇક્રો ફાઇનાન્સિંગ મારફતે ડિજિટલ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું આવશ્યક છે. અભ્યાસમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ડિજિટલ ઇન્ડિયા પહેલે શહેરી-ગ્રામીણ વિભાજનને દૂર કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં, સમાન ડિજિટલ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ, નાણાકીય સહાય અને માળખાગત વિસ્તરણમાં સતત પ્રયત્નો જરૂરી છે.