નવી દિલ્હી : સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના ગરીબોને ૧૦ ટકા અનામત આપવાના કાયદા પર મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ૧૮મી ફેબ્રુઆરી સુધી આ મુદ્દા પર પોતાના જવાબ રજુ કરી શકે છે. ડીએમકે સંગઠન સચિવ આરએસ ભારાતીની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે આ અંગેના આદેશ જારી કર્યો હતો. ભારાતીએ કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પડકાર ફેંક્યો હતો. છેલ્લે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામત વાળા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપી હતી. આની સાથે જ ૧૦ ટકા અનામત કાનૂન બની જતા આને લઈને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને એકબાજુ રાહત મળી રહી છે ત્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપી તે પહેલા બુધવારના દિવસે સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામત આપવા માટે ૧૨૪માં બંધારણીય સુધારા બિલને પસાર કરવામાં આવ્યું હતું. અલબત્ત કેટલાક વિપક્ષી દળોએ ચુંટણી પહેલા બિલના ટાઈમીંગને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. લોકસભા ચુંટણી પહેલા આને મોદી સરકારના મોટા પગલા તરીકે ગણવામાં આવી રહ્યા હતા. સામાન્ય વર્ગ માટે અનામતની આ જાગવાઈ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને મળનાર ૫૦ ટકા અનામતથી અલગ છે. આના માટે સંસદમાં ૧૨૪માં બંધારણીય સુધારાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કેન્દ્રિય કાયદા મંત્રાલય તરફથી જારી કરાયેલા જાહેરનામામાં કહેવાયું છે કે બંધારણના ૧૨૪માં સુધારાને રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપી દીધી છે. બંધારણની કલમ ૧૫ અને ૧૬માં સુધારા કરાયા છે.