તારીખ ૩૧ માર્ચ અને ૧ એપ્રિલના રોજ ચીનનું સ્પેસ સ્ટેશન ધરતી પર ગમે ત્યાં પડવાની શક્યતા હતી જે બાબતે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ચીનનું સ્પેસ સ્ટેશન ‘ધ તિયાંગોંગ-1’ પૃથ્વીના વાયુમંડળમાં પહોંચતા જ ક્રેશ થઈ ગયું હતું.
રિપોર્ટ્સ પ્રમાણે બંધ પડી ગયેલા આ સ્પેસ સ્ટેશનનો કાટમાળ દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં પડ્યો હતો. સ્પેસ સ્ટેશન ભારતીય સમય પ્રમાણે સોમવારે રાત્રે આશરે 1:45 વાગ્યે ધરતીના વાતાવરણમાં પહોંચ્યું હતું અને ક્રેશ થઈ ગયું હતું. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે ધરતીના વાતાવરણમાં પહોંચતા જ સ્પેસ સ્ટેશન સળગી ગયું હતું. ખગોળવિજ્ઞાની જોનાથન મેકડોવલે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.
ઉલ્લખેનીય છે કે આ સ્પેસ સ્ટેશનને સપ્ટેમ્બર 2011ના રોજ બેઇજિંગથી લોંચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના પાંચ વર્ષ બાદ 16 માર્ચ 2016ના રોજ તેણે અધિકારિક રીતે ડેટા મોકલવાનું બંધ કરી દીધું હતું. ચીનની સ્પેસ એજન્સી ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (CNSA) મે 2017માં એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેનો તેના સ્પેસ સ્ટેશન સાથે માર્ચ 2016થી સંપર્ક તૂટી ગયો છે. તે અંતરિક્ષમાં ફરી રહ્યું છે. તેમજ કોઈ પણ સમયે ધરતી પર પડી શકે છે.