ગત રાત્રિએ ગોંડલ ખાતે મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટનાની જાણ રાજ્ય સરકારને થતા જ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય મેજીસ્ટ્રેરીયલ તપાસ માટે ગોંડલ પ્રાન્ત અધિકારીને આદેશો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક પણ આ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ એફ.એસ.એલ.ની મદદથી કરી રહ્યા છે, તેમ કૃષિ મંત્રી આર. સી. ફળદુએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
મગફળીનો આ મોટો જથ્થો બળી જવાની ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરીને કસૂરવાર-જવાબદાર સામે સખત પગલાં રાજ્ય સરકાર ભરશે તેમજ આ બાબતે કોઇની પણ પ્રત્યે કૂણું વલણ દાખવવામાં નહી આવે કે બક્ષવામાં નહી આવે. આ તપાસમાં જે કોઇ ગુણ દોષ સામે આવશે અને જેની જવાબદારી કે સંડોવણી જણાશે તેની સામે ફોજદારી ધારા હેઠળ સખત પગલા અને સજા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.