અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને સમાપ્ત કર્યા પછી ઉગ્ર વિવાદ સર્જાયો છે. દરમિયાન, ભારતે ૫૦ વર્ષ પહેલાં ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ગર્ભપાત પરની વિન્ટેજ એડ પણ ફરતી થઈ છે. વર્ષો જુની આ જાહેરાતમાં લખ્યું છે કે ગર્ભપાત કાયદેસર છે. ગર્ભપાત સુરક્ષિત છે. જો તમે તમારા ડૉક્ટરનો વહેલા સંપર્ક કરો તો ગર્ભપાત એ એક સરળ પ્રક્રિયા છે. એક ટિ્વટર યુઝરે લખ્યું હતું કે, ૧૯૭૦ ના દાયકામાં ગર્ભપાતનાં કારણે, ભારત વસ્તી વધારાને ધીમો પાડવામાં સફળ રહ્યું હતું. ભારતની મહિલાઓને એ કહેવાનો અધિકાર છે કે મારે આટલું વહેલું બાળક નથી જોઈતું. હું કોઈ ગર્ભને મુશ્કેલીઓ સાથે રાખવા માંગતી નથી. મારે આટલું જલદી બીજું બાળક જોઈતું નથી. ભારતમાં મહિલાઓને કાયદા હેઠળ ગર્ભપાત કરવાનો સંપુર્ણ અધિકાર નથી. ચોક્કસ સંજોગોમાં ડોકટરનાં અભિપ્રાયના આધારે ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે છે.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટ, ૧૯૭૧માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાનો એક ભાગ છે, જેમાં લાઇસન્સ હોય તેવા ડોકટરોને ચોક્કસ પરિસ્થિતિઓમાં ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કાયદાને અનુરૂપ ગર્ભપાત કરનારા ડોકટરોને આઈ.પી.સી. કલમ ૩૧૨ હેઠળ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ૧૯૭૧માં કાયદો પ્રથમ વખત પસાર કરવામાં આવ્યો ત્યારે ગર્ભપાત માટે કાનૂની રીતે મહત્તમ સમય ૨૦ અઠવાડિયા નક્કી કરવામાં આવી હતી. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ અમલમાં આવેલા ૨૦૨૧ ના સુધારા સાથે હવે કેટલાક સંજોગોમાં ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે. ૨૪ અઠવાડિયા સુધીના આ ઉપરાંત, જો ગર્ભમાં ગંભીર ખામી હોય અને મેડિકલ બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવે તો આ સમયમર્યાદા લાગુ પડશે નહીં.
૨૦૨૧ના સુધારા પછી, ૨૦ અઠવાડિયા સુધીમાં ગર્ભપાત માટે ફક્ત એક ડોક્ટરની તબીબી સલાહની જરૂર રહે છે.તે પહેલા એક ડોક્ટરની સલાહથી ૧૨ અઠવાડિયા બાદ ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૨૧નાં સુધારા ૨૦ થી ૨૪ અઠવાડિયાની ગર્ભાવસ્થા માટે બે ડોકટરોનો અભિપ્રાય જરુરી છે. જો કે, ગંભીર ખામીના કારણે કોઈપણ વખતે ગર્ભાવસ્થાનો અંત લાવવા માટે, ચાર-સભ્યોનું મેડિકલ બોર્ડે સંમત થાય તે જરુરી છે. જો કે, આઇપીસીની કલમ ૩૧૨ મુજબ ઇરાદાપૂર્વક ગર્ભપાત ફોજદારી ગુનો છે.