મેહુલ ચોક્સીની અટકાયત કરવા એન્ટીગુવાને અનુરોધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફરાર આરોપી મેહુલ ચોક્સીની અટકાયત કરવા માટે એન્ટીગુવા અને બારગુડામાં સત્તાવાળાઓને ભારત દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલમાં તે કેરેબિયન દ્વીપમાં સંતાયેલો છે તેવી બાતમી મળ્યા બાદ ભારત તરફથી સત્તાવાળાઓને અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર કેરેબિયન દ્વીપ રાષ્ટ્ર સાથે સતત સંપર્કમાં છે. દ્વિપ રાષ્ટ્રમાં તેની અવરજવરને રોકવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયને એન્ટીગુવામાં મેહુલ ચોક્સીની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ જ્યોર્જ ટાઉનમાં હાઇકમિશનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગયા સપ્તાહમાં ભારતમાંથી ફરાર કારોબારી મેહુલ ચોકસીને એન્ટીગુઆ એન્ડ બારબુડાની નાગરિકતા આપવાના હેવાલથી ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે એન્ટીગુઆમાંથી વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી આવી ચુક્યા છે. જેમાં વિવિયન રિચર્ડસ અને એન્ડી રોબર્ટસનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪થી લઇને હજુ સુધીના ડેટામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે ૨૮ ભારતીય નાગરિકો દ્વારા એન્ટીગુઆની નાગરિકતા માટે અરજી કરવામાં આવી છે.

સરકારી સુત્રોએ કહ્યુ છે કે આ બાબતની તપાસ કરવામાં આવશે કે આખરે આ ૨૮ લોકો કોણ કોણ છે. આ ૨૮ લોકો માંથી સાત લોકોને પહેલી જાન્યુઆરીથી ૩૦મી જુન ૨૦૧૭ સુધી એન્ટીગુઆની નાગરિકતા મળી ગઇ હતી. આ તમામ લોકોએ કેરેબિયન દેશમાં બે લાખ ડોલરનુ રોકાણ કરેલુ છે. એન્ટીગુઆ કોઇ પણ વિદેશી નાગરિકોને બેવડી નાગરિકતા ઉપલબ્ધ કરાવે છે. આના માટે વિદેશી નાગરિકને ચોક્કસ રકમ જમા કરવાની હોય છે. એન્ટીગુઆ કોઇપણ દેશના નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની નીતિ ધરાવે છે. એક વખતે એન્ટીગુઆનો પાસપોર્ટ મળી ગયા બાદ આવા વ્યક્તિ ૧૩૨ દેશોમાં કોઇપણ વિઝા વગર યાત્રા કરી શકે છે.

Share This Article