જો વ્યક્તિમાં કઈક કરી દેખાડવાની તમન્ના હોય તો તેને ઉંમરનું બંધન નડતું નથી. એવા અનેક લોકો દુનિયામાં જોવા મળે છે જે તમામ વિધ્નો બાજુ પર હડસેલીને ઈતિહાસ રચે છે. આવું જ કઈંક એક વયોવૃદ્ધ ગુજ્જુ મહિલાએ કરી દેખાડ્યું છે જેને દુનિયા સલામ કરી રહી છે. મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી બ્રિટનના બ્રાઈટન શહેરમાં રહેતા ૮૫ વર્ષના મંજૂલા પટેલ આ ઉંમરે લોકોને સ્વાદિષ્ટ ગુજરાતી ભાણું જમાડી રહ્યા છે. તેઓ યુગાન્ડાથી શરણાર્થી તરીકે બ્રિટનમાં આવ્યા અને હવે તેઓ બ્રાઈટનના સૌથી વયોવૃદ્ધ શેફ છે જે લાંબા સમયથી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તેઓ પોતાના રેસ્ટોરન્ટમાં આવનારા લોકોને ગુજરાતના પરંપરાગત શાકાહારી વ્યંજનો સર્વ કરે છે. તેમની વાનગીઓ સમગ્ર બ્રાઈટન શહેરમાં એટલી પ્રસિદ્ધ છે કે રોજ મોટી સંખ્યામાં લોકો તેમની રેસ્ટોરન્ટમાં આવે છે. મંજૂલા પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. પણ ત્રણ વર્ષની ઉંમરે તેઓ માતા પિતા સાથે યુગાન્ડાની રાજધાની કમ્પાલા જતા રહ્યા હતા.
કમ્પાલામાં તેમના પિતાએ એક જનરલ સ્ટોર ખોલીને ગુજરાન ચલાવ્યું. મંજૂએ જણાવ્યું કે તેમનું બાળપણ ખુશાલીમાં વીત્યું પરંતુ ૧૩ વર્ષની ઉંમરે પિતાના અચાનક નિધન બાદ બધુ બદલાઈ ગયું. રાતો રાત તેમના માતા ઘરમાં એકલા કમાનારા બની ગયા, ત્યારબાદ મંજૂએ પરિવારની દેખભાળ માટે મદદ કરવાનું નક્કી કર્યું. બાળપણથી જ મંજૂને કૂકિંગનો ખુબ શોખ હતો અને માતા પાસેથી આ કળામાં નિપુર્ણતા પણ મેળવી. ૧૪ વર્ષની ઉંમરે માતાની મદદથી ઓફિસના કર્મચારીઓ માટે એક દિવસમાં ૩૫ ટિફિન બનાવ્યા અને વેચવાનું શરૂ કરી દીધુ. આ ટિફિન બોક્સમાં ભારતીય અને યુગાન્ડાના લોકપ્રિય વ્યંજન રહેતા હતા. મંજૂએ કહ્યું કે પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે મારી માતાએ અનુશાસનના મૂલ્યો અને એક અવિશ્વસનીય કામની નૈતિકતાને પણ આગળ વધારી, જે મૂલ્યોને હું આજે પણ જાળવી રાખું છું. મંજૂએ ૧૯૬૪ માં એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો થયા. જીવન શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું. ૧૯૭૨માં શાંતિભંગ થઈ જ્યારે તાનાશાહ ઈદી અમીને યુગાન્ડા પર અધિપત્ય જમાવ્યું. તે દિવસોમાં યુગાન્ડામાં ૯૦ ટકા વેપારધંધા પર એશિયાઈ લોકોનો અધિકાર હતો અને ટેક્સનો મોટો ભાગ પણ આ લોકોના મારફતે જ સરકારને જતો હતો. પરંતુ ઈદી અમીને આ લોકો પર યુગાન્ડાના સંસાધનોનું દોહન કરવાનો આરોપ લગાવીને ૯૦ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો. આ કારણે ૧૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા. અનેક લોકોએ બીજા દેશોમાં શરણ માટે મજબૂર થવું પડ્યું.
મંજૂ તેમના પતિ અને બે નાના બાળકો સાથે બ્રિટન પહોંચ્યા. ત્યાં તેમનો ભાઈ પહેલેથી રહેતો હતો. તે સમયે મંજૂના પતિ પાસે કુલ ૧૨ ડોલર સંપત્તિ હતી. તેમણે કહ્યું કે બ્રિટનમાં આવ્યાના ૩ દિવસ બાદ મે નોકરીની શોધ શરૂ કરી કારણ કે અમારી પાસે પૈસા નહતા. તેમને લંડનના એક કારખાનામાં મશીન ઓપરેટરની નોકરી મળી. જ્યાં વીજળીના પ્લગ સોકેટ બનાવવામાં આવતા હતા. તેમણે ૬૫ વર્ષની ઉંમરે રિટાયર થયા સુધી કામ કર્યું. મંજૂએ હંમેશા પોતાનું રેસ્ટોરન્ટ ચલાવવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સ્થિતિએ મંજૂરી નહતી આપી. આમ છતાં મંજૂનો ભોજન બનાવવા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહતો. કામ કર્યા બાદ દરરોજ પરિવાર માટે તેઓ ગુજરાતી વ્યંજન બનાવતા હતા જે તેમણે તેમના માતા પાસેથી શીખ્યા હતા. તેમાં ભીંડા અને બટાકાના શાકથી લઈને થેપલા સુદ્ધા સામેલ હતા. મંજૂરના પુત્રો હંમેશા પોતાની માતાનું સપનું પૂરું કરવા માંગતા હતા આથી તેમણે પાંચ વર્ષ પહેલા માતાના ૮૦માં જન્મ દિવસે એક રેસ્ટોરન્ટ ખોલીને સરપ્રાઈઝ આપ્યું.