અમદાવાદ : એક સમયે લાલ બસ તરીકે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની પ્રતિષ્ઠા સાવ રસાતળે જઇ બેસી છે. આ સંસ્થાના માથે રૂ.ર૬ અબજ વધુનું જંગી દેવું છે. દરરોજ એક કરોડ રૂપિયાની ખોટ ખાતી એએમટીએસનું સંચાલન કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેના કારણે કાયમી કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધકેલી દેવાઇ રહ્યા છે. હવે વધુ ૪૦ કાયમી ડ્રાઇવરનો વારો આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે તો બીજીબાજુ, આટલા વર્ષોથી એએમટીએસને દેવામાંથી કેમ બહાર નથી નીકાળી શકાતી તેને લઇને પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એએમટીએસના કાયમી સ્ટાફને એક અથવા બીજા કારણસર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ફરજ માટે મોકલવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે.
આમ કરીને એએમટીએસ પરનું આર્થિક ભારણ ઘટાડવાનો તંત્ર અને શાસકોનો દાવો છે. એએમટીએસના કાયમી કંડકટરને મ્યુનિસિપલતંત્રના વિવિધ વિભાગમાં ક્લેરિકલ કામગીરી સોંપાઇ રહી છે, તો કાયમી ડ્રાઇવરને તંત્રના સેન્ટ્રલ વર્કશોપ કે ફાયર બ્રિગેડ કે અન્ય વિભાગનાં ટ્રેકટર-ટ્રોલી, ડમ્પર જેવાં વાહનો ચલાવવા માટે બેસાડી દેવાય છે. અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષમાં ૩૦૦થી વધુ કાયમી ડ્રાઇવર અને કંડકટરને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પ્રકારની કામગીરી સોંપાઇ છે. હવે વધુ ૪૦ કાયમી ડ્રાઇવર માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. એએમટીએસમાં હાલમાં કુલ ૭૪૧ બસ ઓપરેશનમાં હોવાનો શાસકોનો દાવો છે.
એએમટીએસના ચેરમેને ચાલુ વર્ષના બજેટમાં ખાનગી ઓપરેટરોની ૬૦૬ બસ અને સંસ્થાની ૧૩પ બસ હોવાની જાહેરાત કરી હતી, જોકે આ જાહેરાત પોકળ છે, કેમ કે આજની તારીખમાં સંસ્થાની માંડ ૯પ બસ રોડ પર દોડે છે. ખુદ ચેરમેને પણ એએમટીએસના કાફલામાં ખાનગી ઓપરેટરોની બસ ખૂબ મોટા પ્રમાણમાં હોઇ ખાનગી ઓપરેટરોની બસના સંચાલનની અનિયમિતતાને દૂર કરવા પર ભાર મૂક્યો હતો એટલે કે એએમટીએસમાં ખાનગીકરણની બોલબાલા હોવાનું ખુદ શાસકોએ સ્વીકાર્યું છે, જેમાં આ રીતે કાયમી સ્ટાફને મ્યુનિસિપલ કોર્પોરેશન મોકલવામાં આવતાં ખાનગીકરણમાં વધારો થઇને આગામી દિવસોમાં સંસ્થાની બસ રોડ પર ફરતી સમુળગી બંધ થશે તેવી ગંભીર દહેશત પણ પ્રવર્તી રહી છે.