સુરતના બિલ્ડર અને મૂળ અમરેલીના નિવાસી શૈલેષ બાબુલાલ ભટ્ટ દ્વારા ગત તા.ર૩ ફેબુ્આરીના રોજ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે તા.૧૪ ફેબ્રુઆરીએ તેનું અને તેના ભાગીદાર કીરીટ પાલડીયાનું કોબાની રાજધાની હોટલ પાસેથી અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેની ટીમે અપહરણ કરીને રાજધાની હોટલના માલિક હસમુખ ગુર્જર, જયેશ ગુર્જર અને હરેશ ગુર્જરના દહેગામ રોડ ઉપર આવેલા મગોડી ગામના કેશવ ફાર્મમાં લઈ જવાયો હતો જ્યાં તેણે ધમકી આપીને ૧ર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને આંગડીયા મારફતે ૩ર કરોડની ખંડણી માંગી હતી.
આ મામલે સરકારે સીઆઈડી ક્રાઈમને તપાસ કરવાનો હુકમ કર્યો હતો અને સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી એલસીબી પીઆઈ સહિત પોલીસ જવાનોના નિવેદનો લેવાયા હતા. આખરે સીઆઈડીને આ ઘટના સત્ય હોવાનું જણાતાં આજે અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ સહિત ૧૧ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરતાં બાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર થયાનો કોઈ ચોકકસ પુરાવો મળ્યો નથી પરંતુ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ૩ર કરોડની ખંડણી માંગ્યા સંદર્ભે પી.ઉમેશ આંગડીયા પેઢી દ્વારા હવાલો કરાયાનું જાણવા મળ્યું હતું. જો કે શૈલેષ ભટ્ટ મુક્ત થઈ જતાં તેણે આ રૂપિયાનો સોદો કેન્સલ કરાવી દીધો હતો. એલસીબી પીઆઈ અનંત પટેલના કહેવાથી સુરતનો કેતન પટેલ મગોડી પહોંચ્યો હતો અને તેણે આ ૩ર કરોડની ડીલ કન્ફર્મ કરાવી હતી. તો શૈલેષ ભટ્ટને ખોટા કેસમાં ના ફસાવવા માટે તેમના ભાગીદાર રાજેશ દેસાઈ અને દીલીપ કાનાણી દ્વારા સમાધાન પેટે ૭૮.૫૦ લાખ રૃપિયા અમરેલી એલસીબીને પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ તે એલસીબી પીઆઈ સુધી પહોંચ્યા નથી. જેથી સરકાર તરફે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને અપહરણ, ખંડણી તેમજ લાંચ રૃશ્વતનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે ખાસ એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે જેનું સુપરવીઝન સીઆઈડીના ડીઆઈજી દિપાંકાર ત્રિવેદી અને એસપી સુજાતા મજમુદારને સોંપવામાં આવી છે. આ ગુનો નોંધાઈ ગયા બાદ સીઆઈડી દ્વારા અમરેલીમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે અને એલસીબીની કચેરીએ તપાસ કરવામાં આવી હતી. જેમાં એલસીબી પીઆઈ અનંત પટેલ ફરાર થઈ ગયાનું જણાયું હતું. જેમાં પોલીસ હે.કો.બાબુ વાજસુરભાઈ દેર, કો.વિજય મુળજીભાઈ વાઢેરની અટકાયત કરાઈ છે અને સુરતથી કેતન પટેલને પણ પકડી લેવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.