રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ૫ વખત કમોસમી વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાક અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાયને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું રાઘવજી પટેલે કહ્યું હતું કે કમોસમી વરસાદને લઇને રાજ્ય સરકારે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને સર્વેનો રિપોર્ટ બે થી ત્રણ દિવસમાં આવી જશે અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને સહાયની જાહેરાત કરાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વધુમાં કહ્યું હતું કે કમોસમી વરસાદને કારણે સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયું છે. જ્યાં ઘઉં,જીરૂ,લસણ જેવા રવિ પાક અને બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે, જે અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ૫૬૫ જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે જ્યાં કમોસમી વરસાદ પડ્યો હશે, ત્યાં સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરશે. ૩૩ ટકાથી વધારે નુકસાન હશે, તેવા ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે.
આ ઉપરાંત નિયમોને બાજુએ મુકીને ખેડૂતોની ચિંતા કરીને સહાય ચૂકવવામાં આવશે.આ વર્ષે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઇ રહ્યો છે અને જ્યાં તડકા પડવા જોઇએ તેની બદલે વરસાદ પડી રહ્યો છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સરકાર હવામાન વિભાગ સાથે મળીને આ અંગેની સમૂક્ષા કરશે. ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવામાન વિભાગ સાથે અભ્યાસ કરવામાં આવશે અને વાતાવરણમાં આવેલા ફેરફારને લઇને ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે. મહત્વનું છે કે આ વખતે છેલ્લા દોઢ મહિનામાં પાંચ જેટલા માવઠાં આવી ચૂક્યા છે અને હજુ પણ સામાન્ય વરસાદની આગાહી છે.