નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે આમ્રપાલી ગ્રુપની સામે લાલઆંખ કરી હતી. મૂડીરોકાણકારો પાસેથી પૈસા લીધા બાદ આમ્રપાલી ગ્રુપ દ્વારા મકાન નહીં આપવાના મામલામાં સુનાવણી કરી રહેલા કોર્ટે કહ્યું છે કે, ઓથોરિટી અને બેંક કર્મચારીઓની મિલિભગતના કારણે ખરીદદારોને પીડાનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, આમ્રપાલીએ આકાશની ઉંચાઈ સુધી લોકો સાથે છેતરપિંડી કરી છે. અસરગ્રસ્ત લોકો સાથે ચેડા કરવામાં આવ્યા છે. ચેડા કરનાર તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અપરાધિક કાર્યવાહી માટે સંકેત સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ યુયુ લલિતની બનેલી બેંચે કહ્યું હતું કે, આમ્રપાલીના ખરીદદારો, વેચાણ કરનારાઓ અને ઓથોરિટી તમામની સાથે છેતરપિંડી રવામાં આવી છે.
આ પહેલા મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટર્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આમ્રપાલી બિલ્ડર્સે ખરીદદારોના ૩૫૦૦ કરોડ રૂપિયા ડાયવર્ટ કરી દીધા છે. સાથે સાથે એમપણ કહ્યું હતું કે, ખરીદદારોએ જે પૈસા લગાવ્યા હતા તે પૈસાથી પ્રમોટરો અને ડિરેક્ટર દ્વારા પોતાના સામ્રાજ્યની રચના કરવામાં આવી હતી. પોતાના ખિસ્સામાંથી એક પણ પૈસા લગાવ્યા વગર કામગીરી આગળ વધારી હતી.
આગામી તપાસ થઇ શકે તે માટે રિપોર્ટની માંગ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રિમિનલ કેસની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ઓડિટર્સ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેને સ્વીકાર કરીને દિલ્હી પોલીસને ક્રિમિનલ કેસમાં તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આમ્રપાલી ગ્રુપની ૪૬ રજિસ્ટર્ડ કંપનીઓ છે. આ કંપનીઓએ આશરે ૩૫૦૦ કરોડ રૂપિયા ડાયવર્ટ કર્યા હતા. કોર્ટે કહ્યું છે કે, આ સમગ્ર મામલામાં ઉંડી તપાસ હજુ પણ ચાલી રહી છે.